ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા આજથી રાજ્યમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ, અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ આગામી ત્રણ દિવસ હળવો જ્યારે ગુરૂવાર અને શુક્રવારે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.




અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ જિલ્લામાં સરેરાશ 39 ટકા વરસાદ વરસ્યો છે.  છેલ્લા બે કલાકમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં ત્રણ ઈંચ અને પાવીજેતપુરમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.


છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેતપુર, બોડેલી, ક્વાંટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વડોદરાના વાઘોડીયામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. આમોદર, પિપડીયા, નિમેટા ગામમાં વરસાદ વરસ્યો હતો. તે સિવાય આજવા, જરોદ, ગુતાલ, ગોરજ, વ્યારામાં પણ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી જય અંબે ચાર રસ્તા, મુખ્ય બજારમાં પાણી ભરાયા હતા.


દાહોદ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. દાહોદ અને લિમખેડા તાલુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ગરબાડામાં બે, તો ધાનપુરમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા હતા. છોટા ઉદેપુર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. 8 વાગ્યા સુધીમાં પાવી જેતપુરમાં બે ઈંચ, ક્વાંટમાં સવા ઈંચ, બોડેલીમાં એક ઈંચ, છોટા ઉદેપુર તાલુકામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.સવારના ચાર વાગ્યાથી 10 વાગ્યા સુધી છોટાઉદેપુરમાં સાડા ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો.  જ્યારે પાવીજેતપુર તાલુકામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છોટાઉદેપુરમાં સાડા ત્રણ ઈંચ, બોડેલીમાં અઢી ઇંચ જ્યારે કવાંટમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.  જિલ્લામાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે જિલ્લાના નદી નાળાઓ પણ છલકાયા હતા. જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થઈ છે. છોટાઉદેપુર નજીક નદી ઉપરનો આડબંધ ઓવરફ્લો થયો છે.           


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial