ધોરણ 12 સાયન્સના રિપીટર અને આઈસોલેટેડ વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર આજે સવારે આઠ વાગ્યે પરિણામ મુકવામાં આવ્યું છે.


વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર પોતાનું પરિણામ જોઈ શકશે. ધોરણ 12 સાયન્સના 32 હજારથી વધુ રિપીટર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. 


ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ પ્રમાણે માત્ર 15.32 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સમગ્ર રાજ્યમાં 30343 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં માત્ર 4649 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 




વિદ્યાર્થીઓ તેમનું પરિણામ સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે. પરિણામ બાદ સ્કૂલોને માર્કશીટ મોકલવામાં આવશે. જે અંગેની જાણ આગામી સમયમાં કરવામાં આવશે. મહત્વનું છે કે ધોરણ 12 સાયન્સની કુલ 32 હજાર 703 રીપિટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.આ પહેલા ધોરણ 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહનું અને ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જો કે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોના મહામારીને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.


રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું


ઉલ્લેખનીય છે કે ધોરણ-12 રેગ્યુલર વિધાર્થીઓનું પરિણામ આવી ચુક્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ ફાઈનલ માર્ક્સશીટ આપવાની ફોર્મ્યુલા જાહેર કરી હતી. આ ફોર્મ્યુલા અનુસાર ધોરણ-12ના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની ફાઈનલ માર્ક્સશીટમાં એના ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12ની પરીક્ષાઓના માર્ક્સ ગણાશે.


કુલ 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું. બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે. જાહેર થયેલ પરિણમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે 15284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. 24,757 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. 26,831 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 22,174 છે. C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 12,071 છે. જ્યારે 2609ને D ગ્રેડ, 289 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ અને 4 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મળ્યો છે.