ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા છે.મુખ્યમંત્રી અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં જ રાત્રિ કરફયુનો અમલ કરાશે. જ્યારે લગ્ન પ્રસંગો માટે 150 વ્યક્તિઓ માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો વેક્સિનનો પહેલો ડોઝ નહીં લીધો હોય તો જે તે ધંધાકીય કે વાણિજ્યિક અથવા મનોરંજક એકમો ચાલુ રાખી શકાશે નહીં.
અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 % (મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.
સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60 ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહી.)
શૈક્ષણિક સંસ્થાઓ(ઓનલાઇન શિક્ષણ સિવાય), વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે. કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અધિક સચિવ એમ. કે. દાસ, આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.