Gandhinagar : રાજ્યમાં ગૃહ વિભાગ અંતર્ગત SRPમાં કેટલી જગ્યાઓ ખાલી પડી છે તેનો રાજ્ય સરકારે જવાબ આપ્યો છે. વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું કે ગૃહ વિભાગ અંતર્ગત SRP ગૃપમા 4918 જગ્યાઓ ખાલી પડી છે. 2021 ની સ્થિતિએ SRPના અલગ અલગ ગૃપમા કોંસ્ટેબલની ખાલી જગ્યાઓ હોવાનું સરકારે સ્વિકાર કર્યું છે. જો કે ભરતી નિયત સમયે થતી હોવાના કારણે જગ્યાઓ ભરવા કોઈ ચોક્કસ સમય મર્યાદા નક્કી કરાઈ નથી એવું સરકારનું કહેવું છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોલવડા ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચાર તબક્કા પૂર્ણ થયા છે અને આજે 19 માર્ચે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોલવડા ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. 


આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડીને ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે. જળ આત્મનિર્ભરતા દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પરિકલ્પના સાકાર કરવા તેમણે પ્રેરણા આપી હતી.


રાજ્યમાં જળ અભિયાનના ચાર તબક્કા પૂર્ણ 
રાજ્યમાં આ જળ અભિયાનના ચાર તબક્કા જન સહયોગથી જવલંત સફળતાને વર્યા છે.
વર્ષ 2018 થી વર્ષ 2021 ના વર્ષોમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત 56689 કામો થયા છે. 21402 તળાવો ઉંડા કરવાના અને નવા તળાવોના કામો તથા 1204 નવા ચેકડેમના કામો અને 50353 કિલોમીટર લંબાઇમાં નહેરો અને કાંસની સાફ-સફાઈના કાર્યો કરવામાં આવ્યા છે. 4 વર્ષમાં આ કામોના પરિણામે કુલ 61781 લાખ ઘન ફૂટ જેટલો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે આ ઉપરાંત 156.93 લાખ માનવદિન રોજગારી ઊભી થઈ છે.


પ્રાકૃતિક ખેતી અપનાવવા મુખ્યમંત્રીની હાકલ 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓછા પાણીએ તથા રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી સાચા અર્થમાં ધરતીમાતાને સુફલામ સુજલામ બનાવવા આ અભિયાનમાં વધુને વધુ લોકો જોડાય તેવું પ્રેરક આહવાન કર્યું હતું