અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદનું જોર યથાવત છે. હવામાન વિભાગ પણ વરસાદની આગાહી કરી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડુ હવે ઊભુ થવાની શક્યતા ખૂબ ઓછી હોવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું માનવું છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે માત્ર દરિયામાં કરંટ જોવા મળશે અને તેની અસર ગુજરાતમાં ભારે વરસાદ સ્વરૂપે જોવા મળશે.  

દરિયા કાંઠાના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે

તેમના જણાવ્યા મુજબ,  28થી 31 મે દરમિયાન ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલ અનુસાર, આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ સારી થશે.  ભારે પવનના કારણે બાગાયતી પાકોમાં નુકશાન થવાની શક્યતા છે. 

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ યથાવત છે. રાજ્યના હવામાન વિભાગે પણ વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે.   

આવતીકાલે કાલે દેવભુમિ દ્વારકા,  જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, અમરેલી,ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત,તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

વાવાઝોડાનો ખતરો ટળી ગયો 

ગુજરાત પરથી વાવાઝડોનો ખતરો લગભગ ટળી ગયો છે.  વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ આજે ડિપ્રેશનમાં બનશે. દક્ષિણ કોકણ કિનારા પર પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન કેંદ્રીત થશે. જેના પગલે મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. કોંકણ ગોવા મુંબઇમાં ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે.

મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ 

મહારાષ્ટ્રના રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે IMD એ રેડ એલર્ટ જાહેર કર્યું છે. રત્નાગિરિ અને દાપોલી વચ્ચે એક ડિપ્રેશન સિસ્ટમ પસાર થઈ ગઈ છે, જેના કારણે ભારે વરસાદ વાવાઝોડું અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા અને કોલ્હાપુર પણ રેડ એલર્ટ પર છે.

કેરળના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ હવામાન વિભાગે કેરળના કાસરગોડ, કન્નુર સહિત ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટયમ, એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ અને અન્ય જિલ્લાઓ આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે.