ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આગામી 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર,કચ્છ,ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે.સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે.તો આગામી બે દિવસ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળશે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 2 સાઈક્લોનિક સકર્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના અનુસાર બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ડ્રાય વેધર રહેશે.જો કે રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનો ચમકારો પણ વધશે. તાપમાનમાં 3થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગે ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્રમાં હજુ બે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં પણ બે દિવસ સુધી સામાન્ય વરસાદ રહેશે. જોકે બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં વેધર ડ્રાય રહેશે અને ત્યારબાદ ફરી એકવાર ઠંડીનો રાઉંડ આવશે. બે દિવસ બાદ હવામાન વિભાગે લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રીના ઘટાડાનું અનુમાન કર્યું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે વેરાવળ શહેર અને આસપાસના વિસ્તારમાં પણ બપોર થતા ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વેરાવળ નજીક કાજલી APMC વિસ્તારમાં ઓચિંતા વરસાદ વરસી પડ્યો હતો. જોકે હવામાન વિભાગની આગાહીના પગલે યાર્ડમાં અગાઉથી ખેડૂતોની જણસને સલામત સ્થળે ખસેડી લેવાતા નુકસાની ટળી હતી. રાજ્યનાં વિવિધ ભાગોની જેમ સુરેન્દ્રનગર જીલ્લાના વાતાવરણમાં પણ પણ પલટો આવ્યો હતો. સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારો તથા જીલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી, ચુડા, સાયલા, લખતર સહિતના તાલુકાઓમાં પણ સવારથી કમોસમી વરસાદ નોંધાયો હતો. વાતાવરણમાં પલટો આવતાં સમગ્ર જીલ્લામાં શીત લહેર છવાતા લોકોએ ઠંડક અનુભવી હતી. કમોસમી વરસાદથી ખેડૂતોના રવી પાકને નુકશાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જુનાગઢ જિલ્લાના અનેક ગામડાઓમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. માળીયા હાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થતા જનજીવન પ્રભાવિત થયું છે. માળીયા હાટીના તાલુકા વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થયો છે.