Gujarat: રાજ્યમાં એક પછી એક 4 કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ, પોલીસ તંત્ર થયું દોડતું
Bomb Threat: ધમકીની જાણ થતા જ પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે જુદીજુદી કોર્ટો ખાતે પહોંચી ગઇ હતી

Bomb Threat: રાજ્યમાં ફરી એકવાર ધમકી ભર્યા ઇમેઇલથી દોડધામ મચી ગઇ છે. થોડાક દિવસો પહેલા અમદાવાદમાં શાળાને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળી હતો, હવે આજે રાજ્યની અદાલતોને ફરી એકવાર ઇમેઇલ દ્વારા બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી મચી ગઇ છે. રાજ્યની ગ્રામ્ય કોર્ટો, રાજકોટ, અમદાવાદ, વડોદરા, વલસાડ અને ગાંધીનગરની કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર એક્શનમાં આવી ગયુ છે.
રાજ્યમાં આજે અદાલતોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે, ગઇકાલે જાણીતી શાળાઓને નિશાન બનાવ્યા બાદ આજે મંગળવારે રાજ્યના ગ્રામ્ય કોર્ટે જેમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, વલસાડ અને ગાંધીનગરની કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાનો ઇમેઇલ મળ્યો હતો. ધમકીની જાણ થતા જ પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે જુદીજુદી કોર્ટો ખાતે પહોંચી ગઇ હતી. પોલીસ પહોંચે તે પહેલા સાવચેતીના ભાગરૂપે કોર્ટના મેન એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ગઇકાલે શાળાને બૉમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સોમવારે વડોદરાની અનેક નામાંકિત શાળાઓને પણ આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાના ઈમેલ મળ્યા હતા. આખો દિવસ પોલીસ શાળાઓમાં તપાસ કરતી રહી હતી, પરંતુ તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. મોડી સાંજે કારેલીબાગ વિસ્તારની બ્રાઈટ સ્કૂલ ને પણ આવો જ ધમકીભર્યો મેસેજ મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ભયનો માહોલ જોવા મળ્યો હતો.























