રાજસ્થાન ઝાલોર-બાબરા હાઈવે પર ભાગલી પાઉં નજીક કૂતરાને બચાવવા જતાં કાર ફંગોળાઈને ઝાડીમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં જૈન સમાજના ત્રણ અગ્રણી એવા ભરત કોઠારી(ડીસા), રાકેશ ધારીવાલ(જોધપુર, રાજસ્થાન), વિમલ બોથરા(બાડમેર, રાજસ્થાન)ના ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે.
ગુજરાતમાં વ્યવસાય કરતા જોધપુરના રાકેશ ધારીવાલ, બાડમેરના વિમલ બોથરા અને ડીસાના ભરત કોઠારી પોતાના અન્ય મિત્રો અરવિંદ તથા પુરાભાઈ સાથે ઝાલોર નજીક આવેલા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. સવારના 11 કલાકે ઝાલોરથી 10 કિલો મીટર પહેલાં ધાનપુરા ગામની સરહદમાં સડક પર અચાનક જ કૂતરું સામે આવી ગયું હતું. જેથી કાર ચાલકે તેને બચાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ઉછળીને ઝાડીમાં પડી હતી. કાર સડકની નીચે ઉતરીને ઝાડ સાથે ટકરાઈ હતી. ઝાડ સાથે અથડાતા જ કારના ભુક્કા બોલી ગયા હતા.
આ દુર્ઘટનામાં રાકેશ ધારીવાલ, વિમલ બોથરા અને ભરત કોઠારીના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. આ અકસ્માત બાદ આસપાસના લોકોએ ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય શરૂ કર્યું હતું અને તમામને કાર બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટવામાં અરવિંદ તથા પુરાભાઈ અને કાર ચાલકને ઈજા પહોંચી હતી. જેમાંથી ડ્રાઈવરની ઝાલોરમાં સારવાર ચાલી રહી છે.