Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે. એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર જોવા મળશે.  ત્રણ દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. રિપોર્ટનુ માનીએ તો, આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેમાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે.

Continues below advertisement


30 અને 31 જુલાઈના રોજ જામનગર, અમરેલી, કચ્છ, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં થોડો વરસાદ પડવાની શક્યતા છે. 1 અને 2 ઓગસ્ટના રોજ જામનગર, અમરેલી, કચ્છ, મોરબી, રાજકોટ, ભાવનગર સહિત કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.


માછીમારોને દરિયો ન ખેડવા સૂચના


ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે.


હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આગામી 2 દિવસ ગુજરાત પ્રદેશમાં ભારેથી અત્યંત ભારે વરસાદ રહેશે. આગામી 5 દિવસ દરિયો તોફાની બનશે. માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. 


રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ


અત્યારે રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં આ સિઝનનો 55 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે કચ્છ ઝૉનમાં સિઝનનો 64.17 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 65.70 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 65.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ વહેલા વરસાદના કારણે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે.


આ રાજ્યોમાં પડ્યો વધારે વરસાદ


ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા  અનુસાર, આ વર્ષે અત્યાર સુધી  દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં રાજસ્થાન, લદ્દાખ, નાગાલેન્ડ, મણિપુર અને સિક્કિમમાં સૌથી વધુ વરસાદ પડ્યો. મધ્ય પ્રદેશ, ગુજરાત, ઝારખંડમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ પડ્યો. જો કે, આ વર્ષ ભલે સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો પરંતુ તેમાં અસમાનતા જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં 90 ટકાથી વધારે વરસાદ પડ્યો છે, તો અરુણાચલ પ્રદેશ, દિલ્લી, બિહાર, મહારાષ્ટ્રમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.