Gujarat weather forecast: રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ એમ ત્રણેય હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી તેમની સંયુક્ત અસરના ભાગરૂપે વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.

Continues below advertisement

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 4.68 ઈંચ (117 મીમી) વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 9.80 ઈંચ (245 મીમી) વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સામાન્યની સરખામણીએ 31 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જોકે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા હોવાથી વરસાદની આ ખાધમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Continues below advertisement

અલનીનોની અસરના કારણે આ વર્ષે ચોમાસામાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. ચોમાસાનો દોઢ મહિનો વિતી ગયો છતાં પણ રાજ્યમાં સારો વરસાદ નથી વરસ્યો અનેક જિલ્લામાં હજુ પણ વાવણી નથી થઇ આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે, ફરી મોનસૂન એક્ટિવ થતાં હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી કરી છે. નોંધનિય છે કે અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 

આજે ક્યાં વરસશે વરસાદ આજે (17 જુલાઈ 2026) ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના છે. હાલ રાજ્ય માટે કોઈ ભારે વરસાદની વ્યાપક ચેતવણી જાહેર કરવામાં આવી નથી, પરંતુ અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.

વરસાદની સંભાવના ધરાવતા મુખ્ય જિલ્લાઓ:

ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર

મધ્ય ગુજરાત: અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર

દક્ષિણ ગુજરાત: વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલી વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા

સૌરાષ્ટ્ર-કચ્છ: રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી 

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ  વરસાદની શક્યતા છે. ખાસ કરીને 20 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન, ઝડપાયેલા 5 આતંકી વિદેશી હેન્ડલરના હતા સંપર્કમાં

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 21થી 25 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે. અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અથવા વરસાદી ઝાપટાં પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 2થી 4 ઈંચ સુધી વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જ્યારે પંચમહાલના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. બીજી તરફ કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલે વધુ સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેમના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ મેઘરાજા જોરદાર બેટિંગ કરી શકે છે. ખાસ કરીને દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત, 26થી 30 જુલાઈ દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું છે.