જૂનાગઢઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આજે જૂનાગઢ અને ભાવનગરમાં કોરોનાના કેસો નોંધાયા છે. જૂનાગઢમાં આજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. મેંદરડાના ૪૮ વર્ષીય મહિલા કે જેમના પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે હાલ રાજકોટ સારવારમાં છે. જોષીપરા વડલી ચોકમાં રહેતા દંપતી જેમાં ૬૦ વર્ષીય પુરૂષ અને ૫૮ વર્ષીય મહિલા કે જેઓ બન્ને અમદાવાદથી જૂનાગઢ આવ્યા હતા, તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય શાખા દ્વારા હાલ કોન્ટેક્ટ ટ્રેસીંગ સહીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ભાવનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં 24 વર્ષના પુરુષ તેમજ 58 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 24 વર્ષીય યુવકે તાજેતરમાં જ એમબીબીએસ પૂર્ણ કરેલ છે. તેમની કોઈ ચોક્કસ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેમના નજીકના સગા રાજકોટથી તેમને ત્યાં આવેલા જેઓ પણ ડોકટર છે, તેઓનો પોઝિટિવ રિપોર્ટ નોંધાયેલ છે. ભાવનગરમાં કોરોનાનો કુલ આંક 170એ પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં 13 લોકોના મોત થઇ ચુક્યા છે, તો 31 એક્ટિવ કેસ છે. જ્યારે 123 લોકો સ્વસ્થ થઈ ગયા છે.