સુરતઃ ગુજરાતમાં કોરોનાન કેસો સતત વધી રહ્યા છે અને પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રમાં તો સ્થિતી વધારે ગંભીર છે ત્યારે  ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે કે, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતી સરકારી બસમાં મુસાફરો પાસે કોરોના રિપોર્ટ હોય તો જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત ખાનગી બસો તથા ખાનગી વાહનોમાં પણ જેમેન કોરોના રીપોર્ટ નહીં હોય તેમને પણ આ નિયમ લાગુ પડશે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતી સરકારી બસમાં જે મુસાફરો પાસે કોરોના રિપોર્ટ નહીં હોય તેમેન ગુજરાતની હદમાં નહી પ્રવેશવા દેવાય.


આ આદેશના પગલે નિઝરની વાંકા ચોકડી પર મહારાષ્ટ્રમાંથી આવતી તમામ સરકારી બસ, ખાનગી બસ, ખાનગી વાહનોમાં ચેંકિંગ હાથ ધરાયું છે. પોલીસ અને આરોગ્યનાં સ્ટાફે નિઝરની વાંકા ચોકડી પર ચેકીંગ હાથ ધર્યુ છે. રાજ્ય સરકારની ગાઇડલાઈન મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે અને જેમની પાસે કોરોના રીપોર્ટ નથી તેમને પાછા કાઢવામાં આવી રહ્યા છે.


રાજ્યમાં કોરોના  સંક્રમણ બેકાબૂ થયું છે. ગઈકાલે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.


આ સાથે જ રાજ્યમાં પ્રથમવાર કોરોનાના કેસે ૧૭૦૦ની સપાટી વટાવી છે. આ સ્થિતિએ હાલ રાજ્યમાં પ્રતિ કલાકે ૭૨ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. ૭ જાન્યુઆરી બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ફરી ૮ હજારને પાર થયો છે.


ગઈકાલે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318  એક્ટિવ કેસ છે, જેમાંથી 76 લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે.


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2  અને સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4458 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1730  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.