PORBANDAR : પોરબંદર જિલ્લામાં ગૌવંશમાં લમ્પિ વાયરસ જોવા મળી રહ્યો છે અને બે પશુઓના લમ્પિ વાયરસથી મોત થયાની આશંકાને પગલે પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે. જૂનાગઢ પશુપાલનની ટીમ પોરબંદર દોડી આવી હતી અને તેમણે શંકાસ્પદ પશુઓના સેમ્પલ લીધા હતા.
જામનગર અને દેવભૂમિ દ્વારકા બાદ પોરબંદરમાં પણ લમ્પિ વાયરસની એન્ટ્રી જાેવા મળી છે. લમ્પિ વાયરસના કારણે એક આખલા અને એક ગાયનું શંકાસ્પદ મોત થયું હતું. જેના પગલે જૂનાગઢ પશુપાલન વિભાગના મદદનીશ નિયામકની ટીમ પોરબંદર દોડી આવી હતી અને શંકાસ્પદ પશુઓના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લમ્પિ વાયરસને પગલે પોરબંદર પશુપાલન વિભાગ દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જયાં જે પશુઓમાં લમ્પિ વાયરસના લક્ષણો જાેવા મળે છે તેવા પશુઓને સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે તેમજ રસીકરણની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
લમ્પિ વાયરસના લક્ષણો ગૌવંશમાં જોવા મળતા પોરબંદર નગરપાલિકાએ પણ તકેદારીના ભાગરૂપે રેઢિયાળ પશુઓને ડબ્બે પુરવાની કામગીરી શરૂ કરી છે અને આ પશુઓને ઓડદરની ગૌશાળા ખાતે રાખવામાં આવ્યા છે. જે પશુઓમાં લમ્પિના લક્ષણો જાેવા મળે છે તેવા પશુઓને જીઆઈડીસી ખાતે શરૂ કરવમાં આવેલા આઈસોલેશન વોર્ડમાં લઈ જવામાં આવે છે. તેમજ પશુના માલિકોને પોતાના પશુઓને રેઢા ન મુક્વા પણ સૂચના આપવામાં આવી છે.
સ્મૃતિવન મેમોરિયલ પાર્કનું નિર્માણકાર્ય અંતિમ તબક્કામાં
કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં દિવંગત થયેલા હજારો લોકોની સ્મૃતિમાં ભુજમાં ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન મેમોરિયલ પાર્ક બનાવાઈ રહ્યો છે. 8 વર્ષથી ચાલી રહેલ આ નિર્માણકાર્ય હવે અંતિમ તબક્કામાં છે આવતા મહિને સંભવિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તેવી શકયતા છે.
કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં દિવંગત થયેલા હજારો લોકોની આત્માને શાંતિ મળે અને તેઓની યાદમાં મેમોરિયલ બને તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન પ્રોજેકટ શરૂ કરાવ્યો હતો, જેનું 2022માં પ્રથમ ફેઝનું કામ પૂર્ણ થવાના આરે છે અને સંભવિત આવતા મહિને વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ કચ્છની પણ મુલાકાત લઈ શકે છે.
ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં આકાર લઈ રહેલા સ્મૃતિવનમાં પ્રથમ ફેઝમા 52 ચેકડેમ, પાથ વે અને સનસેટ પોઇન્ટની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.