બનાસકાંઠા:  દાંતા તાલુકાના હડાદ નજીક અકસ્માત સર્જાયો છે. પુર ઝડપે જઇ રહેલા બે બાઈક ચાલકે શાળાના બે બાળકોને અડફેટે લેતા બંને બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.  બાળકો હડાદ પાસે નવા વાસકાંઠના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત બાદ એક બાઈક ચાલક ઝડપાયો છે જ્યારે એક બાઈક ચાલક ફરાર થવામાં સફળ રહ્યો છે. અકસ્માતના પગલે બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


અમરેલીમાં ભૂગર્ભ ગટરના સંપમાંથી અજાણ્યા સ્ત્રી પુરુષના મૃતદેહ મળી આવ્યા


ખાંભાના ધાતરવાડી નદીના પટ્ટમાં આવેલા ભૂગર્ભ ગટરના સંપમાંથી બે ડેડબોડી મળી આવતા અરેરાટી મચી ગઈ છે. ભગવતીપરા વિસ્તારમાં આવેલ ધાતરવાડી નદીના કાંઠે આવેલ ભૂગર્ભ ગટરના સંપમાં અજાણ્યા સ્ત્રી પુરુષની ડેડબોડી મળી આવતા ચકચાર છે. ઘટનાની જાણ થતા ખાંભા પોલીસ સ્ટાફ અને મામલતદાર  ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનામાં મળી આવેલ સ્ત્રી પુરુષના મોતને અંદાજે  5 દિવસ જેટલો સમય વીતી ગયો હોવાનું પ્રાથમિક તારણ છે. બિનવારસી હાલતમાં મળી આવેલ ડેડબોડીની પોલીસ દ્વારા તાપસ હાથ ધરવામાં આવી છે.


AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા એક્શનમાં


ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા એક્શનમાં આવ્યા છે. ચૈતર વસાવાએ અચાનક ડેડિયાપાડા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને સૌને ચોકાવી દીધા હતા. સિવિલ હોસ્પિટલનું નિવિન બિલ્ડીંગ 2 વર્ષથી બની ગયું છે પરંતુ ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે. જો એક મહિનામાં નવી સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગનું ઉદ્ઘાટન નહિ થાય તો લોકો દ્વારા ઉદ્ઘાટન કરી દેવામાં આવશે એવી ચીમકી ચૈતર વસાવાએ ઉચ્ચારી છે. જૂની સિવિલ હોસ્પિટલમાં સાધનોનો અભાવ સામે આવતા ધારાસભ્ય ચૈતન વસાવાએ હોસ્પિટલના સ્ટાફને સાધનો વસાવવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. હોસ્પિટલમાં એક્સરે મશીન 1986ના મોડેલનું હોવાનું બહાર આવતા ધારાસભ્યએ એક અઠવાડિયામાં નવું મશીન લાવવા સૂચન કર્યું છે.


ભુપેન્દ્ર સરકારના મંત્રીએ મતદારોને કેમ કહ્યા ગદ્દાર


 વડગામના વરનાવાડા ખાતે આવેલ રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ પંચાલે વિવાદીત નિવેદન આપ્યું છે.  જગદીશ પંચાલે કહ્યું કે, વડગામની બેઠક ન જીતાડી એનો રંજ છે. વડગામની બેઠક ન જીતાડી તમે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. જે પણ વડગામ બેઠકની હાર માટે જવાબદાર હોય એમને રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. મારા સ્વાગતમાં ફૂલહારનું આડંબર કરવા કરતાં બેઠક જીતાડી હોત તો ખુશી થાત. તમને જણાવી દઈએ કે, વડગામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીની જીત થઈ છે.


રાજકોટમાં લાગ્યા પાકિસ્તાન હાય હાયના નારા


પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદનનો ગુજરાતમાં સખત વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં ભાજપના નેતાઓએ બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કર્યુ હતું. રાજકોટ સહિત દેશભરમાં પાક.ના વિદેશ મંત્રના બફાટનો ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. રાજકોટમાં પાકિસ્તાન હાય હાયના નારા લગાવીને પૂતળા દહન કરાયું હતું.