Gujarat Weather Update: હવામાન વિભાગે આજથી બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે રાજ્યમાં વરસાદ પડશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મોરબી, ભરૂચ, વડોદરા, કચ્છ, મહીસાગર, દાહોદ, મોરબીમાં વરસાદની આગાહી છે.
છેલ્લા 24 કલાકમાં મહેસાણાના બહુચરાજીમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના દાંતામાં સવા બે ઈંચ, અમદાવાદ શહેરમાં સવા બે ઈંચ, બનાસકાંઠાના વડગામમાં બે ઈંચ, પાટણના ચાણસ્મામાં બે ઈંચ, જોટાણા, બાવળા, કલોલ, વડાલી અને શિનોરમાં પોણા બે ઈંચ તથા નડિયાદ, કડી, પેટલાદમાં સવા સવા ઈંચ વરસાદ ખાબક્યો છે.
રાયપુર દરવાજા પાસે મકાનની દિવાલ ધરાશાયી
અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી હતી. બંગલાની પોળમાં મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થયાના અહેવાલ નથી. સ્થાનિક કાઉન્સિલર ઘટનાસ્થળે પહોચ્યા હતા. રવિવારે પડેલા કમોસમી વરસાદના કારણે દીવાલ પડી હોવાની શક્યતા છે.
એએમસીનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ
રવિવારે સાંજે અમદાવાદમાં ચાર કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતા મહાનગરપાલિકાની પ્રી- મોનસૂનનો પ્લાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અમદાવાદ શહેરમાં સૌથી વધુ ચાંદખેડા અને રાણીપમાં વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હતું. વરસાદની સાથે ભારે પવન પવન ફુંકાતા શહેરમાં 15 વૃક્ષો ધારાશાયી થયા હતા. ભારે પવનના કારણે ઠેર ઠેર જાહેરાતના હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતા. ઘણી જગ્યાઓ પર પાણી ભરાતા વાહનો બંધ થતા વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
ઉસ્માનપુરા, બોડકદેવ, સાયન્સ સીટી, ગોતા, ચાંદલોડિયા. જોધપુર, બોપલ, મક્તમપુરામાં સાડા ત્રણ ઈંચ અને સરખેજમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જ્યારે દાણાપીઠ, દુધેશ્વર અને મણિનગરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લીધે સાબરમતી નદી પરના વાસણા બેરેજના ચાર દરવાજા ખોલી છ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. જ્યારે શહેરના વેષ્ણોદેવીથી ઝુંડાલ સર્કલ તરફ જતા અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા તેને બંધ કરવો પડ્યો હતો. અંડર બ્રિજ બંધ કરાતા બે કિલોમીટર સુધીના રસ્તામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.