Somnath: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા બે દિવસીય રેતશિલ્પ મહોત્સવનો સોમનાથ બીચ ખાતે વેરાવળ પાટણ નગર પાલીકાના ઉપપ્રમુખશ્રી કપિલભાઈ મહેતાના હસ્તે પ્રારંભ કરવામા આવ્યો હતો. તા.૧૭ તેમજ ૧૮ ફેબ્રુઆરી એમ બે દિવસ શહેરીજનો અને પ્રવાસીઓ રેતશિલ્પોની કલાત્મક કૃતિઓ નિહાળી શકશે.


આ રેતશિલ્પ મહોત્સવની મુખ્ય થીમ મહાશિવરાત્રી છે. રેતશિલ્પકાર નથુભાઈ ગળચર દ્વારા મહાશિવપુરાણમાં ભગવાન શિવ પારધીને પ્રસન્ન થયા તે મહત્વનું નિદર્શન કરતુ શિલ્પ કંડારવામાં આવ્યુ હતુ. જે આગવી ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવે છે. તેમજ અન્ય  રેતશિલ્પકારોએ અદભુત કળાથી ભગવાન શિવજી અને જી-૨૦ને લગતા વિવિધ પ્રકારના શિલ્પ બનાવીને પોતાની આગવી  કળા પ્રદર્શિત કરી હતી તથા શિવજીના જુદા જુદા રુપો રેતશિલ્પમાં મૂર્તિમંત કર્યા હતા. આ રેતશિલ્પ મહોત્સવમાં ૨૦ થી ૨૫ કલાકારોએ ભાગ લીધો હતો.


આ તકે લલિત કલા અકાદમીના સચિવશ્રી તેજાભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રેતશિલ્પ કલાકારોને સંસ્કૃતિની આગવી ઓળખ ઉજાગર કરવાની તક મળે તેમજ પ્રવાસન સ્થળ સોમનાથ ખાતે  શિવરાત્રી પર્વ પર મહાદેવના દર્શન કરવા આવતા ભક્તજનો અને પ્રવાસીઓને ભારતીય સંસ્કૃતિ તથા રેતશિલ્પ કલા વિશે વધુ જાણકારી મળે તેમજ રેત શિલ્પ કલાકારોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.


આ તકે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાના ચીફ ઓફિસર શ્રી ચેતન ડુડિયા, સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ, અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથની મુલાકાતે બહોળી સંખ્યામાં આવેલ પ્રવાસીઓએ પણ આ મહોત્સવને મન ભરી માણ્યો હતો.


Gir Gadadha: ગીર ગઢડામાં બીજા ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીના નદીમાં ડૂબી જવાથી મોત


ગીર ગઢડા: ગીર ગઢડાના કણેરી ગામે ધોરણ 2 મા અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના મોત થતા શોકનો માહોલ છવાયો છે. રૂપેણ નદીમાં ડૂબી જતાં આ બન્ને બાળકોના મોત થયા છે. આ બન્ને બાળકો સ્કૂલેથી લઘુશંકા કરવાનું કહી નિકળ્યા હતા. જે બાદ બન્નેની લાશ મળી આવી હતી. બાળકોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે તપાસ  શરૂ કરી દેવામાં આવી છે.