ચકચારી ડમીકાંડમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કરાઈ પોલીસ એકેડમીમાં PSIની તાલીમ લેતા સંજય પંડ્યા અને ભાવનગર સરકારી એન્જિનિયરિંગ કોલેજના ક્લાર્ક અક્ષર બારૈયાને દબોચી લેવાયા. 2021માં બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં સંજય પંડ્યાએ અક્ષર બારૈયા વતી ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી.
આજે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં SITની બેઠક મળી હતી. જેમાં ડમી કાંડમાં સંડોવાયેલા તમામ આરોપીને ઝડપી લેવાની સૂચના અપાઈ હતી. ડમી કાંડનો મુખ્ય આરોપી શરદ પનોત સરતાનપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. અન્ય એક આરોપી પી. કે. દવે જે BRC કો-ઓર્ડિનેટર હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ બંનેને ફરજ પરથી મોકૂફ કરી દીધા છે.
ડમી કાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે પણ આરોપો લાગ્યા હતા. આજે યુવરાજસિંહે સવાલ ઉઠાવ્યો કે, ડમીકાંડમાં 70થી વધુની સંડોવણી છતાં શા માટે 36 લોકો સામે જ ફરિયાદ નોંધાઈ ? આ સાથે જ એલાન કર્યું કે, આગામી દિવસોમાં ફોરેસ્ટની ભરતી અને ચિલ્ડ઼્રન યુનિવર્સિટીમાં ચાલતા કૌભાંડની પોલ ખોલીશ.
જેતપુરના ગુંદાળા ગામે 9 વર્ષની વિદ્યાર્થીનીનું સ્કૂલ બસની અડફેટે મોત
રાજકોટ જિલ્લાના જેતપુરના મોટા ગુંદાળા ગામમાં પટેલ ચોક નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. અહીં સ્વામિનારાયણ સ્કૂલની બસે અડફેટે લેતા વિદ્યાર્થીનિનું મોત થયું છે. સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને લઈને ગામમાં મુકવા માટે બસ આવી હતી. સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓને ઉતારી બસ જતા સમયે અડફેટે લેતા ઘટના બની છે. ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત થયું છે. અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. કેસ્વી અરવિંદભાઈ અભંગી નામની 9 વર્ષીય વિદ્યાર્થીનિનું મોત થયું છે. જેતપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિદ્યાર્થીનના મોતને લઈ ડોકટરને ખખડાવ્યા હતા. જેતપુર સિવિલ હોસ્પિટલના મેદાનમાં ડોક્ટરને ધારાસભ્યએ ધક્કા માર્યા તેમજ ટાપલી દાવ કર્યો હતો. ધારાસભ્ય જયેશ રાદડિયાએ સિવિલ સુપ્રીડેન્ટન્ડને ઉધડા લીધા હતા. ડોકટર દ્વારા અકસ્માતમાં મોત થયેલ વિદ્યાર્થીનીનું પીએમ કરવાની ના પાડતા ખખડાવ્યા હતા. સિવિલના ડોક્ટર દ્વારા ફોરેન્સિક પીએમ કરવાનું કહેતા ધારાસભ્યએ ઉધડા લીધા હતા.
Gujarat: સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધ્યો, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું
સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. આજે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 40.8 અને રાજકોટમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના અનુસાર ઉત્તર દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈ તાપમાનમાં વધારો થશે. બે દિવસ બાદ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 1 ડિગ્રી વધી શકે છે.
હવામાન વિભાગની આગાહી સામે આવી છે. સાથે જ અમદાવાદવાસીઓને ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. બે દિવસ બાદ અમદાવાદમાં ગરમીમાં આંશિક રાહત મળશે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે 2 દિવસ બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે. આજથી બે દિવસ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં 1 ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે.