સુરેન્દ્રનગર: ચુડા તાલુકાના સમઢીયાળા ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ જૂથ અથડામણમાં 2 આધેડના સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે. આમ જૂથ અથડામણ હત્યામાં ફેરવાતા ચકચાર મચી જવા પામી છે. જમીન ખેડવા મુદ્દે બે અલગ અલગ જ્ઞાતિના જૂથો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું.





આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર બન્ને જૂથના સભ્યો તલવાર અને ધારીયા સહિતના શસ્ત્રથી સામસામે હુમલો કર્યો હતો. અનુસુચિત જાતિના 2 આધેડના સારવાર દરમ્યાન મેડિકલ કોલેજમાં મોત થતા મામલો ગરમાયો છે. તો બીજી તરફ એક સાથે 2 હત્યાના બનાવને લઈ  મેડિકલ કોલેજ ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો એકત્રિત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. ભારે તંગદિલી ભર્યા વાતાવરણ વચ્ચે DYSP લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. 


કાર સાથે અથડાયા બાદ બસ નીચે આવી ગયો બાઈક ચાલક


સુરેન્દ્રનગર ખાતે એક અકસ્માતમી ગંભીર ઘટના સામે આવી છે. અહીં બસ સ્ટેન્ડ પાસે એસ.ટી બસ નીચે આવી જતા ટુવ્હીલર ચાલકનુ મોત નિપજયુ છે. આ અકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર ટુવ્હીલર ચાલક કાર સાથે અથડાયા બાદ એસ.ટી. બસ નીચે આવી જતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. અકસ્માતને પગલે રસ્તા પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેને લઈને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. 


અમદાવાદમાં ભુવા પડવાનો સીલસીલો યથાવત


સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ભુવાઓનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે રોજ સવાર પડે અને ભુવો ન પડે તો જ નવાઈ.  સ્માર્ટ સિટી અમદાવાદ શહેર જાણે ભુવાનગરી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.શહેરમાં ભુવા પાડવાનો સિલસિલો યથાવત છે. આજે બોપલ વિસ્તારના મુખ્ય માર્ગ પર મસમોટો ભુવો પડ્યો હતો.આ ભુવામાં આખે આખું સર્કલ ગરકાવ થઈ ગયું હતું. બોપલ-ઘુમાંનું  પદ્માસન સર્કલ  ભુવામાં ગરકાવ થતા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસનું બુથ પણ ભૂવામાં ગરકાવ થયું છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial