UCC meeting Anand: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) ના અમલીકરણની દિશામાં વધુ એક પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત UCC સમિતિએ આણંદ જિલ્લાની મુલાકાત લીધી હતી અને અમલીકરણ પહેલાં નાગરિકોના અભિપ્રાયો જાણવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. સર્કિટ હાઉસ, આણંદ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના અગ્રણીઓ, જન પ્રતિનિધિઓ અને વિવિધ ધર્મના આગેવાનોએ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
રાજ્યભરમાં સમાન સિવિલ કોડ અંગે લોકોના પ્રતિભાવો મેળવવા માટે UCC સમિતિ દ્વારા વિવિધ જિલ્લાઓની મુલાકાત લેવામાં આવી રહી છે. આ મુલાકાતનો હેતુ સમાન સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરતા પહેલાં સમાજના વિવિધ વર્ગોના મંતવ્યો જાણવાનો છે. સમિતિ નાગરિકો, અગ્રણી નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિવિધ ધાર્મિક સમુદાયોના નેતાઓ પાસેથી પ્રતિભાવો એકત્રિત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે રાજ્યમાં UCC કાયદાના અમલ માટે ખાસ સમિતિની રચના કરી છે.
આણંદમાં યોજાયેલી બેઠકનું સંચાલન સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય સી.એલ.મીણા અને આર.સી. કોડેકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આણંદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સાધુ-સંતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સમિતિના સભ્ય સી.એલ. મીણાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "રાજ્યમાં સમાન સિવિલ કોડ લાગુ કરતાં પહેલાં નાગરિકોના અભિપ્રાયો જાણવા ખૂબ જ જરૂરી છે. સમિતિ સમાનતા, મહિલાઓ અને બાળકોના અધિકારોને ધ્યાનમાં રાખીને યુસીસીનો મુસદ્દો તૈયાર કરશે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નાગરિકો પાસેથી મળેલા પ્રતિભાવોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ સમિતિ UCC અંગેનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરશે.
મીણાએ નાગરિકોને UCC કાયદા સંબંધિત પોતાના વિચારો અને મંતવ્યો રજૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ નાગરિક યુસીસી કમિટી, કર્મયોગી ભવન, બ્લોક નંબર - ૧, છઠ્ઠા માળ, સેક્ટર ૧૦- એ, ગાંધીનગરના સરનામે પત્ર દ્વારા અથવા યુસીસી કાયદાના પોર્ટલ http://uccgujarat.in પર ઓનલાઈન સૂચનો મોકલી શકે છે. તેમણે આણંદ જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને આ પ્રક્રિયામાં સહભાગી થવા અને પોતાના મંતવ્યો રજૂ કરવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં આણંદના સાંસદ મિતેશભાઇ પટેલે સમાન નાગરિક સંહિતા કાયદો વહેલી તકે લાગુ થવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.
સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલ, ચારૂતર વિદ્યામંડળના પ્રોવોસ્ટ હેમંત ત્રિવેદી, જિલ્લાના સાધુ સંતો, તબીબો, વકીલો, સામાજિક કાર્યકરો, રોટરી ક્લબ વિઠ્ઠલ ઉદ્યોગ નગર એસોસિએશનના પ્રમુખ સહિત વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો. ઉપસ્થિત અગ્રણીઓએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાંકીય સહાય અને વારસાના અધિકારો જેવા મહત્વપૂર્ણ વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા.
બેઠકની શરૂઆતમાં આણંદના કલેકટર પ્રવીણ ચૌધરીએ સમિતિના સભ્યોનું સ્વાગત કર્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં મનપા કમિશનર મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, અને નિવાસી અધિક કલેકટર આર.એસ દેસાઈ જેવા વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.