અમદાવાદ: સૌરાષ્ટ્ર,  ઉત્તર અને દક્ષિણ ગુજરાત જ્યાં 8 જાન્યુઆરીના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 જાન્યુઆરીના બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં માવઠું પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, 8 થી 10 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડશે.


અંબાલાલ પટેલના મતે 11 જાન્યુઆરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. ઉત્તરાયણના પર્વ પર સમગ્ર રાજ્યમાં ઠંડા પવન ફૂંકાશે. કમોસમી વરસાદની આગાહીને લઈ બનાસકાંઠા જિલ્લા પ્રશાસને ખેતીવાડી અને બાગાયત વિભાગને પત્ર લખ્યો છે. આ પત્રમાં સૂચના અપાઈ કે માવઠાની આગાહીને લઈ માર્કેટ યાર્ડમાં અનાજ ખુલ્લામાં ન રાખવા. આજે પણ કચ્છનું નલિયા  સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજકોટ અને કેશોદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 


રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે


હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. 8 જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્યા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


આગામી 24 કલાકમાં તાપમાનમાં મોટો ફેરફાર થશે નહીં. સામાન્ય બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 13.8 ડિગ્રી, ગાંઘીનગરમાં 12 ડિગ્રી જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન 9 ડિગ્રી નોંધાયુ છે. 


ગુજરાતમાં 8થી 10 તારીખે વરસાદની સંભાવના


માવઠાને લઈને આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, અરબ સાગરમાં આવેલા ટ્રફના કારણે ગુજરાતમાં 8થી 10 તારીખે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં 8 અને 9 જાન્યુઆરીએ વરસાદ વરસી શકે છે. તો 10 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે.


સામાન્ય વરસાદ થવાની સંભાવના


દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. 9 તારીખે રાજકોટ, જૂનાગઢ, અમરેલી તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને મધ્ય ગુજરાતના દાહોદમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. 10મી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.