Gujarat Rain: રાજ્યના 220 તાલુકામાં વરસ્યો કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં પડ્યો
રાજ્યમાં આજે વહેલી સવારથી જ અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદે રાજ્યના અનેક જિલ્લામાં પાકને નુકસાન કર્યું છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં છે.

ગાંધીનગર: રાજ્યમાં આજે વહેલી સવારથી જ અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદે રાજ્યના અનેક જિલ્લામાં પાકને નુકસાન કર્યું છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં છે. રાજ્યના 220 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યના 30 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. લોધિકા, તાલાલામાં 2 ઈંચ વરસાદ અને અંકલેશ્વર, વંથલીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આ કમોસમી વરસાદ આફત રુપ સાબિત થયો છે. અમરેલી જિલ્લામાં વરસાદે ઘણુ નુકસાન કર્યું છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ ખેડૂતોની મુશ્કેલી વધારી છે.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદને કારણે ઘણુ નુકસાન થયું છે. રાજકોટના ગોંડલના દેરડી કુંભાજી ગામે માવઠાથી ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે પવનના વંટોળ સાથે કરા સાથેનો વરસાદ પડતાં ઠેર ઠેર નુકશાનીના દ્રશ્યો સર્જાયા છે.
રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી 13 લોકોના મૃત્યુ
વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આજે રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી 13 લોકોના મૃત્યુ થયા છે. વીજળી પડવાની ઘટનાથી દાહોદમાં 3, ભરૂચમાં 2, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા ,પંચમહાલ,બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 1-1 માનવ મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી કુલ 39 પશુઓના મૃત્યુ નોંધાયા છે. સૌથી વધુ પશુ મૃત્યુ ખેડામાં 15 પશુઓના મૃત્યુ નોંધાયા છે.
રાજકોટમાં બપોર બાદ ફરી કરા સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. શાપર, પારડી અને શહેરના કેટલાક વિસ્તારમાં કરા પડ્યા છે. જેના કારણે ખેતીપાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટના ગોંડલમાં ગાજવીજ સાથે કરા પડ્યા. કરા સાથે વરસાદ પડતા જીરૂ,ચણા, ધાણા સહિતના શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદના પગલે શહેરના રાજમાર્ગો પર ચોમાસા જેવો માહોલ છવાયો છે. રાજકોટમાં ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, થોરાળા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું પડતાં તાપમાનનો પારો ગગડ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ.





















