Uttarayan 2023: ઉત્તરાયણ આવે ને બાઈક ચાલકોના માથે યમદૂત ઝળુંબવા લાગે છે. વડોદરામાં વધુ એક યુવાને ચાઈનીઝ દોરીને કારણે ગળું કપાતા જીવ ગુમાવ્યો છે. આમ, રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ચાઈનીઝ દોરીએ ત્રણ યુવાનના ગળા કાપ્યા છે. 45 વર્ષીય મહેશ ઠાકુર સમા સાવલી રોડ પરથી પસાર થતા હતા. ત્યારે ચાઈનીઝ દોરી ગળામાં ફસાઈ હતી. જેથી ગંભીર હાલતમાં તેને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


આ પહેલા રવિવારે 30 વર્ષીય હૉકી પ્લેયર નવાપુરાના ખંડોબા મંદિર પાસે બાઈક પર પસાર થતા હતા. આ સમયે ગળામાં પતંગની દોરી ફસાતા ગળું કપાઈ ગયું. લોહીલુહાણ હાલતમાં તેને સયાજી હોસ્પિટલ ખસેડાયો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. તો  સોમવારે સુરતના કામરેજ રોડ પર આવેલા સહકારનગર પાસે નવાગામના રહેવાસી બળવંત પટેલ નોકરીથી પરત ફરી રહ્યાં હતા. આ સમયે ગળામાં દોરી ફસાઈ જતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું. મૃતકના પરિવારે આરોપ લગાવ્યો કે, ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં દુકાનદારો ચોરી-છુપીથી વેચાણ કરી રહ્યાં છે..


પ્રતિબંધ છતાં અમદાવાદમાં ચાઈનીઝ દોરીના 45 રીલ સાથે 3 પકડાયા


પ્રિતબંધિત ચાઈનીઝ દોરી સાથે અમદાવાદમાં ત્રણ શખ્સો ઝડપાયા છે. ચાંદખેડા અને ઈસનપુરમાંથી ચાઈનીઝ દોરીના 45 રીલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ચાંદખેડા વિસત ચાર રસ્તા પાસે એક યુવાન ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. થેલો લઈને આવેલા એક યુવાનને પોલીસે રોકીને તપાસ કરી. જેમાંથી ચાઈનીઝ દોરીના 30 રીલ મળી આવ્યા. જેથી પોલીસે વિશ્વદીપસિંહ જાડેજાને ઝડપી લીધો. વિશ્વદીપસિંહ ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ સાથે ઈસનપુરમાં ત્રણ રસ્તા પાસેથી પોલીસે ચાઈનીઝ દોરીના 15 રીલ સાથે આફ્રીદીન દોબી અને જીશાન નામના સખ્સને ઝડપી પાડ્યા હતા.


અમદાવાદ સિવાય રાજકોટમાં પણ ચાઇનીઝ દોરી સાથે બે ઝડપાયા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બે શખ્સોને મોનો સ્કાય કંપનીની 15 રીલ સાથે ઝડપી પાડયા હતા. સંજય જીંજુવાડીયા અને પ્રકાશ પરમાર નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.