આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ગાંધીનગરમાં અપક્ષ ધારાસભ્યએ કહ્યું- 'આગામી ચૂંટણીમાં ઘણા મંત્રીઓના પતંગ સુરક્ષિત નથી'; બીજી તરફ વલસાડમાં સાંસદ ધવલ પટેલે કહ્યું- 'દિલ્હી અને ઈટલીથી ઉડતા કોંગ્રેસના પતંગો કપાવા નક્કી છે'.

Gujarat Politics on Uttarayan: આજે સમગ્ર ગુજરાતમાં જ્યારે આકાશમાં પતંગોના પેચ લાગી રહ્યા છે, ત્યારે રાજ્યના રાજકીય આકાશમાં પણ નેતાઓ વચ્ચે શાબ્દિક પતંગ યુદ્ધ જામ્યું છે. મકરસંક્રાંતિ (Makar Sankranti) ના પર્વ પર એક તરફ અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala) એ શાસક પક્ષ ભાજપની આંતરિક ખેંચતાણ પર મોટા ધડાકા કર્યા છે, તો બીજી તરફ વલસાડના સાંસદ ધવલ પટેલે (Dhaval Patel) કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.
'ભાજપનું ધાબું મોટું થયું એટલે પતંગ ચગાવનારા વધ્યા'
ગાંધીનગરમાં પતંગોત્સવ દરમિયાન બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભાજપના આંતરિક રાજકારણ (Internal Politics) પર સૂચક નિવેદન આપ્યું હતું. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "ગુજરાતના રાજકીય આકાશમાં ભાજપમાં અંદરોઅંદર જ પેચ લાગ્યા છે. ભાજપ રૂપી ધાબું મોટું થઈ ગયું છે, એટલે પતંગ ચગાવનારાઓની સંખ્યા વધી ગઈ છે, પરિણામે એકબીજાના પતંગ કાપવાની હરીફાઈ ચાલી રહી છે."
ધવલસિંહે વધુમાં ઉમેર્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં પણ ભાજપમાં આંતરિક સ્પર્ધા ચરમસીમાએ છે. જો સ્થાનિક નેતૃત્વ ગ્રાઉન્ડ લેવલ પર ધ્યાન નહીં આપે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) માં ભાજપના પતંગને નુકસાન થઈ શકે છે.
'નવા મંત્રીઓ પણ સુરક્ષિત નથી'
આવનારી ચૂંટણીઓ અંગે ભવિષ્યવાણી કરતા ધવલસિંહે કહ્યું કે, "આગામી સમયમાં ભાજપના કેટલાય ધારાસભ્યોના પતંગ કપાવાના છે. એટલું જ નહીં, મંત્રીમંડળના વિસ્તરણ બાદ જે નવા પતંગો ઉડ્યા છે, તે પણ સુરક્ષિત નથી. ચૂંટણી બાદ કેટલાક મંત્રીઓના પતંગ પણ બદલાઈ શકે છે." તેમણે વિપક્ષ અંગે વાત કરતા કહ્યું કે, કોંગ્રેસનો પતંગ નીચે જઈ રહ્યો છે જ્યારે આમ આદમી પાર્ટી (AAP) નો ગ્રાફ ધીમે ધીમે ઊંચે જઈ રહ્યો છે.
વલસાડમાં કોંગ્રેસ પર 'સર્જિકલ સ્ટ્રાઈક'
બીજી તરફ, વલસાડમાં સાંસદ ધવલ પટેલે પતંગ ચગાવવાની મજા માણતા વિપક્ષ કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાનો પતંગ સ્થિર અને ઊંચો ઉડતો જોઈને તેમણે કહ્યું કે, "જે રીતે મારો પતંગ સ્થિર છે, તેવી જ રીતે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ રૂપી પતંગ દાયકાઓથી ગુજરાતમાં અડીખમ છે અને આવનારા વર્ષોમાં વધુ ઊંચાઈએ પહોંચશે."
'ઈટલીથી ઉડતા પતંગો કપાશે'
કોંગ્રેસ પર કટાક્ષ કરતા ધવલ પટેલે કહ્યું હતું કે, "જે પતંગો ઉતાવળમાં દિલ્હી કે ઈટલીથી ચગાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને જેઓ માત્ર આંધળો વિરોધ કરવામાં વ્યસ્ત છે, તેઓના પતંગ ખરાબ રીતે કપાવાના છે. ચાહે તાલુકા પંચાયત હોય કે 2027 ની વિધાનસભા ચૂંટણી (Assembly Election), જનતા પીએમ મોદીના નેતૃત્વમાં જ વિશ્વાસ મુકશે."






















