Valsad Heavy Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પાણીની આવક વધી જતાં કેટલાક વિસ્તારોમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

Continues below advertisement

વલસાડ શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ

Continues below advertisement

વલસાડ શહેરના ભાગડાવાડા, તિથલ રોડ, કોલેજ કેમ્પસ સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં વરસ્યા હતા. ટૂંકા સમયમાં જ ભારે વરસાદ પડતા શહેરના મુખ્ય રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને અનેક સ્થળોએ વરસાદી પાણી વહેતાં જોવા મળ્યાં હતા. વરસાદના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર

વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સતત વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેતી માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે.

કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ, નદીઓમાં પાણીની આવક 

વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. કપરાડાના અનેક વિસ્તારોમાં નદીનું જળસ્તર વધી જતાં આસપાસના વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત ઉભી થઈ હતી.સિલધા ગામ નજીક પસાર થતી નદીમાં પાણીની આવક વધતાં નદી પર આવેલો લો-લેવલ કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કોઝવે પરથી પાણી ફરી વળતાં બંને ગામો વચ્ચેનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ થઈ ગયો હતો. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને કોઝવે પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો- Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

હજુ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને નદી-નાળા નજીક રહેતા લોકોને સાવચેતી રાખવા તેમજ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.