Valsad News: ગુજરાતમાં અત્યારે લગ્નની સિઝન પુરજોશમાં ચાલી રહી છે, એકબાજુ લોકો લગ્નની મોજ કરી રહ્યાં છે, તો બીજીબાજુ ચોરીની ઘટનાઓ વધી રહી છે, અમદાવાદ બાદ હવે વલસાડમાંથી લગ્ન મંડપમાંથી ચોરીની ઘટના સામે આવી છે. વલસાડના ઉમરગામના એક ગામમાં લગ્ન વિધિ દરમિયાન 23 તોલા સોનાના દાગીના ભરેલી બેગ ગાયબ થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. જોકે, હજુ સુધી આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લામાં એક અનોખી ચોરીની ઘટનાએ તમામને ચોંકાવી દીધા છે. વલસાડ જિલ્લાના ઉમરગામના નાહુલી ગામમાં એક લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો, લગ્નની શરણાઈઓ વાગી રહી હતા અને આ બધાની વચ્ચે એક ગઠિયો તકનો લાભ લઇને લગ્ન મંડપમાંથી સોનાના દાગીના ભરેલી બેગ ગાયબ કરી ગયો હતો. જોકે, આ અંગે હજુ સુધી પુષ્ટી થઇ શકી નથી કે બેગ કોને ગાયબ કરી. નાહુલી ગામમાં દીકરીના લગ્ન પ્રસંગમાં જ્યારે વરપક્ષનો પરિવાર આવ્યો હતો, તે સમયે વરપક્ષના પરિવારની 23 તોલા સોનાના દાગીના ભરેલી બેગ થઇ જતાં લગ્ન મંડપમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટના બાદ જ્યારે સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા તો તેમાં એક એક અજાણ્યા વ્યક્તિની શંકાસ્પદ હરકતો કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ સીસીટીવી ફૂટેજ હાલમાં વાયરલ થઇ રહી છે. આ સમગ્ર ચોરીના ઘટના ઘટી હોવા છતાં હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
પરિવાર લગ્નમાં ગયો ત્યારે જ ધોળે દિવસે તસ્કરો ત્રાટક્યા, ઘરમાંથી દોઢ લાખના દાગીના ઉઠાવી ફરાર
ગુજરાતમાં ચોરી ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે દક્ષિણ ગુજરાત વલસાડમાંથી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, અહીં એક પરિવાર બહાર ગયો હોવાની જાણ ચોરને થતાં, તેમના ઘરમાંથી દોઢ લાખથી વધુના દાગીનાની ઉઠાંતરી કરી હતી. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે, વલસાડમાં એક પરિવાર બહાર ગયો હોવાનો પુરેપુરો ફાયદો ચોર ટોળકી ઉઠાવ્યો છે. અહીં શહેરના ભાગડાવાડા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટ રહેતા માતા અને દીકરી બહાર લગ્નમાં ગયા હતા, આ તકનો લાભ ચોર ટોળકીએ ઉઠાવ્યો છે. ધોળે દિવસે ચોરે ફ્લેટનો તાળુ તોડીને ઘરમાંથી અંદાજિત દોઢ લાખથી વધુની મતાની ચોરી કરી છે. જ્યારે માતા -દીકરી લગ્નમાંથી ઘરે પરત ફર્યા તો તેમને ઘરમાં સામન વેરવિખેર થયેલો જોયો હતો. ચોર ટોળકીએ ઘરમાંથી કબાટની તિજોરીમાં મુકેલું સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેઇન, વીંટી, બંગડી, સોનાનું પેન્ડલ, કાનની બુટ્ટી, ચાંદીના ઘરેણાં એમ કુલ મળીને 15 તોલા સોના અને ચાંદીના ઘરેણાં સાથે 2 મોબાઈલ ફોનની ચોરી કરી હતી. આમાં કુલ 1.52 લાખની મત્તા તસ્કરો ઘરમાંથી તડફાવી ગયા હતા. હાલમાં આ ઘટના અંગે સીટી પોલીસ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરાઇ છે.