વલસાડ જિલ્લામાં આજે પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. કપરાડામાં બે કલાકમા અઢી ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે સીલધા ગામ પાસે આવેલ નદી બે કાંઠે વહી રહી છે. અને નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. કોઝવે પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોને સૌથી વધુ તકલીફ પડી રહી છે. માત્ર કપરાડા જ નહીં પણ ઉમરગામ, ધરમપુર, પારડી અને વાપી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે.


રાજ્યમાં વરસાદની આગાહી


હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. હવામાન વિભાગના મતે પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદ (Rain)ની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.


બીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. ત્રીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ (Rain) વરસી શકે છે. આ સિવાય આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્યથી હળવો વરસાદ (Rain) વરસી શકે છે.


અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, સિદ્ધપુર, વિસનગર, હારીજ અને સમીમાં પણ સામાન્ય વરસાદ (Rain) વરસી શકે છે. તો 22 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે  રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે.


સુરતમાં વરસાદ


સુરતમાં વરસેલા વરસાદે (Rain) નઘરોળ પ્રશાસનની પોલ ખોલી નાખી છે. શહેરના હોળી બંગલા વિસ્તાર અને કતારગામ દરવાજા વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. ત્યારે સવાલ એ છે કે આ પ્રકારની સમસ્યાથી જનતાને ક્યારે રાહત મળશે. માત્ર દોઢ ઈંચ વરસાદમાં આ સ્થિતિ છે. તો વધારે વરસાદ પડ્યો હોય તો શું હાલત થાય.