અમદાવાદઃ ઓસ્ટ્રેલિયામાં ભણવા ગયેલા એક ગુજરાતી વિદ્યાર્થીનુ મોત થયાના સામાચાર છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વલસાડના અબ્રામા વિસ્તારના રહેતો 25 વર્ષીય વિદ્યાર્થી ભાર્ગવનું ઓસ્ટ્રેલિયાના એલવુડ, મેલબોર્ન સિટીમાં ગુરુવારે રાતે ભયાનક કાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ છે.


ભાર્ગેવ છેલ્લા ચાર વર્ષથી ઓસ્ટ્રેલિયામાં ભણતો હતો, અને ત્યાં માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કર્યા બાદ ટુંકમાં જ ઓસ્ટ્રેલિયાના પી.આર. માટે અરજી પણ કરવાનો હતો. ખાસ વાત છે કે, અકસ્માતમાં મોતને ભેટેલા યુવાન ભાગર્વ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેના પરિવારમાં માતા, પિતા તથા નાની બહેન છે. ભાગર્વના પિતા મહેશભાઇ સોલંકી સોફ્ટવેર એન્જીનીયર છે અને તેઓ વલસાડ ખાતે આવેલી ઇકો પ્લાસ્ટ કંપનીમાં નોકરી કરે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, ભાગર્વ સોલંકી 22મી ઓક્ટોબરના રોજ રાત્રે તેની નિશાન કાર લઇને ઘરે જઇ રહ્યો હતો, આ દરમિયાન રાત્રે 10.30 વાગ્યે મેલબોર્નના એલવુડ વિસ્તારમાં હોલ્ડન યુટે કારમાં સવાર ચાલકે કન્ટ્રૉલ ગુમાવતા ભાર્ગવ સોલંકીને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક ટક્કરથી ભાર્ગવને ગંભીર ઇજા થઇ અને ઘટનાસ્થળ પર જ તેનુ મોત થઇ ગયુ હતુ. બાદમાં વિકટોરીયા પોલીસે અકસ્માતના આરોપી હોલ્ડન યુટે કારચાલક 23 અને 24 વર્ષની ઉંમરના બે યુવાનોની ધરપકડ કરી લીધી હતી.

વલસાડના અબ્રામા ખાતે આવેલી માર્બલ ફેકટરી પાસે રહેતા મહેશભાઇ સોલંકીના એકના એક પુત્ર ભાર્ગવ સોલંકી (ઉ.વ.25) છેલ્લા 4 વર્ષથી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સીટીમાં ગ્લેનહંટલી વિસ્તારમાં મિત્રો સાથે રહેતો હતો. ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિર્વિસટીમાં અભ્યાસ કરતા ભાર્ગવએ થોડા સમય પહેલા માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી અને ઓસ્ટ્રેલિયાના પી.આર. માટે અરજી કરવાનો હતો.

બાદમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય મૂળના લોકો અને ભાર્ગવના મિત્રોએ ભાર્ગવના મૃતદેહને ભારત લાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા. માહિતી પ્રમાણે, તમામ ફોર્માલીટીશ પૂર્ણ કરવામાં આશરે એકાદ અઠવાડિયુ લાગી શકે છે. જેથી ભાગર્વનો મૃતદેહ આ મહિનાના અંત સુધીમાં તેના વતન પહોંચી જશે.