Junagadh: જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ ગૌરક્ષનાથ મંદિર ખાતે તોડફોડની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગતરાત્રે અજાણ્યા તત્વોએ મંદિરની અંદર પ્રવેશ કરી મૂર્તિઓમાં તોડફોડ કરી હતી. માત્ર એટલું જ નહીં, તેમણે મંદિરની પૂજા સામગ્રી પણ વેરવિખેર કરી હતી. ગિરનાર જેવી પવિત્ર ભૂમિ પર બનેલી આ ઘટના બાદ સ્થાનિક ભક્તો અને સંતોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
હજી સુધી સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધાઈ નથી
ઘટના અંગે હજી સુધી સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ પોલીસ તંત્ર સક્રિય બની ગયું છે. હાલ વીડિયો ફૂટેજના આધારે તોડફોડ કરનારા તત્વોની ઓળખની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ તોડફોડની ઘટના રાત્રિના ત્રણથી ચાર વાગ્યાના અરસામાં બની હતી. મંદિરના પૂજારીના રૂમને બહારથી બંધ કરી તોડફોડ કરવામાં આવી હોવાની માહિતી જ્યોર્તિનાથજી મહારાજે આપી છે.
મંદિરમાં તોડફોડ કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ
જ્યોર્તિનાથજી મહારાજે આ ઘટનાને દુઃખદ ગણાવી જણાવ્યું કે, “મંદિરમાં તોડફોડ કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ કરી છે.” તેમણે ઉમેર્યું કે હાલ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી રહી છે અને તોડફોડ કરનારા તત્વોને કોઈપણ રીતે છોડવામાં નહીં આવે.
“ગિરનારની પવિત્ર ભૂમિ પર આવી હરકતો સહન નહીં કરવામાં આવે”: દેવનાથ બાપુ
આ ઘટનાને લઈને દેવનાથ બાપુએ પણ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે “ગિરનારની પવિત્ર ભૂમિ પર આવી હરકતો સહન નહીં કરવામાં આવે.” દેવનાથ બાપુએ આ તોડફોડને સનાતન ધર્મ પરનો હુમલો ગણાવ્યો છે અને કહ્યું કે “શાંતિને ડહોળનારા તત્વો સામે સખ્ત સજા થવી જોઈએ.”
ગિરનાર જેવા ધાર્મિક અને આસ્થાપૂર્ણ સ્થળે બનેલી આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. તંત્ર દ્વારા ઘટનાસ્થળે વધારાની પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં.
ગોધરામાં મોબાઈલ ટાવર મુદ્દે બબાલ
તો બીજી તરફ, પંચમહાલ જિલ્લાના ગોધરાના કડિયાવાડ વિસ્તારમાં મોબાઈલ ટાવર લગાવવા મુદ્દે તણાવ સર્જાયો છે. મકાન પર ટાવર લગાવવાની કાર્યવાહી દરમિયાન સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધ કરનારાઓ પર ટાવર લગાવડાવનાર મકાન માલિક અને તેના સાથીદારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
જાહેરમાં બનેલી આ મારામારીનો વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું, જોકે હાલ સ્થિતિ કાબૂમાં છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે તેઓ માત્ર ટાવર લગાવવાના વિરોધમાં પોતાનું મત વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ તેમના પર શારીરિક હુમલો કરવામાં આવ્યો. તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વાયરલ વીડિયો આધારે દોષિત તત્વો સામે કાયદેસર પગલાં ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.