Vav assembly bypoll: વાવની પેટાચૂંટણીમાં અંતિમ દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ તરફથી પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલને શંકર ચૌધરીનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ચૌધરી સમાજના ભાજપ આયોજિત સંમેલનમાં શંકર ચૌધરીએ કહ્યું હતું કે માવજીભાઈ અપક્ષ લડ્યા તો સમાજનું હિત કેમ ન જોયુ. કોઈ પૈસા આપી જાય એટલે સમાજને વેચી મારવાનો. શંકર ચૌધરીએ અપક્ષ ઉમેદવાર માવજી પટેલને સવાલ કર્યા હતા. શંકર ચૌધરીએ કહ્યું હતું કે રૂપિયા લઈને સમાજને વેચી મારવાનો તેમાં સમાજનું હિત છે? માવજીભાઈએ 11 મીટિંગો કરી તે બધી ચૌધરી સમાજની જ કરી છે. ચૌધરી સમાજના મત બગાડી કોંગ્રેસને જીતાડવા મહેનત કરી રહ્યા છે. જિલ્લા-તા.પંચાયતની ચૂંટણીમાં તમામ સમાજની જરૂર પડશે.


માવજી પટેલે ફોર્મ પાછું ખેંચવા શું માંગ્યુ હતું તેને લઈને પણ શંકર ચૌધરીએ ખુલાસો કર્યો હતો. શંકર ચૌધરીએ દાવો કર્યો હતો કે માવજી પટેલે બનાસ બેન્ક માંગી હતી. માવજી પટેલને ફોર્મ પાછુ ખેંચી લેવા અનેકવાર સમજાવ્યા હતા. મુખ્યમંત્રી સાથે વાત કરીને માવજી પટેલને મનાવી લેવાયા હતા. રજનીભાઈ પટેલે માવજીભાઈ સાથે મુલાકાત કરી ફોર્મ પાછુ ખેંચવાનું નક્કી કર્યું હતું.


શંકર ચૌધરીએ કહ્યું હતું કે કોઈને જીતાડવા અપક્ષ ઉભા રાખવાનું આયોજન કોઈકે કર્યું છે. પક્ષે સમીકરણ અને સર્વે કરાવીને રણનીતિ ગોઠવી હતી. પરબત પટેલ, હરિભાઈ ચૌધરી અને મને પણ ઠાકોર સમાજના મત મળ્યા હતા. લોકસભામાં ભાજપ હાર્યું તો પણ ઠાકોર સમાજના મત ભાજપને મળ્યા હતા. અપક્ષને ચૂંટણી લડાવવાનું કોંગ્રેસનું પહેલાથી જ આયોજન હતું. 25થી 30 હજાર મત આગળ-પાછળ થાય તો કોંગ્રેસ જીતી જાય તેવું આયોજન કર્યું છે. હરિભાઈ લુણી ગામના છે તેના કોણ ટેકેદાર છે ચેક કરી લો. તેઓને APMCના ચેયરમેન બે-ત્રણ વખત બનાવ્યા છે.


શંકર ચૌધરીએ ગર્ભિત ધમકી આપતા કહ્યું હતું કે એક રહેશો અને સરકાર સાથે રહેશો તો અમે કામ કરાવી શકીશું.તમે નહી માનો તો અમારે પણ કહેવું પડે કે અમારૂ કોઈ માનતું નથી. અમે આવું કહીએ પછી કેટલી મુશ્કેલી પડે તે તમે જાણો છો.


બીજી તરફ ચૌધરી સમાજના સ્નેહ મિલનમાં પૂર્વ સાંસદ પરબત પટેલે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે વાવની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ વચ્ચે જ જંગ છે. માવજીભાઈ જે મત લેશે તે ભાજપને નુકસાન કરશે. આપડા ઉમેદવારને ઠાકોર સમાજે પણ મત આપ્યા છે. લોકસભામાં ચૌધરી સમાજે ગેનીબેનને એક પણ મત આપ્યો નથી. કોંગ્રેસને જીતાડવી હોય અને ફરીથી ખરાબ દિવસો લાવવા હોય તો બીજે મત આપજો. તાલુકા - જિલ્લા પંચાયતની ચૂંટણી પક્ષ જ લડશે, અપક્ષો નહિ લડે. વાવમાં આજે ચૂંટણી પ્રચાર પૂર્ણ થશે. 13 નવેમ્બરે મતદાન થશે અને 22 નવેમ્બરે પરિણામ આવશે.