Vibrant Gujarat: સૌરાષ્ટ્ર-કચ્છ બનશે દેશનું ગ્રોથ એન્જિન; ₹5.78 લાખ કરોડના 5492 MoU, 2047 સુધીમાં બદલાઈ જશે ચિત્ર
રાજકોટના આંગણે ઐતિહાસિક સિદ્ધિ: 24 દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં ઉદ્યોગોને મળ્યું નવું બળ; મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું- વિકસિત ભારત @2047 ના સંકલ્પમાં ગુજરાત અગ્રેસર, એક્ઝિબિશન 15 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

Vibrant Gujarat Regional Conference Rajkot 2026: સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક વિકાસ માટે સુવર્ણ અવસર સમાન બે દિવસીય 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્ર' નું આજે રાજકોટમાં ભવ્ય સમાપન થયું છે. મારવાડી યુનિવર્સિટી (Marwadi University) ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય સરકારને અભૂતપૂર્વ સફળતા મળી છે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitu Vaghani) એ જાહેરાત કરી હતી કે આ કોન્ફરન્સ દરમિયાન કુલ ₹5.78 Lakh Crore ના જંગી રોકાણ માટે 5,492 MoU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) કરવામાં આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે રોકાણકારોનો ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ પરનો ભરોસો કેટલો મજબૂત છે.
વિકસિત ભારત @2047 માટે સૌરાષ્ટ્ર તૈયાર
સમાપન સમારોહમાં સંબોધન કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003 માં વાવેલું વાઇબ્રન્ટ ગુજરાતનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. પ્રથમ વાઇબ્રન્ટ સમિટમાં માત્ર ₹66,000 કરોડના 80 કરાર થયા હતા, જ્યારે આજે એક રિજનલ કોન્ફરન્સમાં ₹5.78 લાખ કરોડના કરાર એ ગુજરાતની વિકાસયાત્રાની સાક્ષી પૂરે છે. 2047 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ભારતનું મુખ્ય ગ્રોથ એન્જિન બનીને ઉભરી આવશે." તેમણે નાગરિકોને 15 જાન્યુઆરી સુધી ચાલનારા એક્ઝિબિશનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
સૌરાષ્ટ્રની સાહસિકતાને સલામ: અર્જુન મોઢવાડિયા
આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) એ સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજાને બિરદાવી હતી. તેમણે કહ્યું, "સૌરાષ્ટ્રના લોકોની નસેનસમાં ઉદ્યોગ સાહસિકતા છે. એક સમયે આપણા નાવિકો દરિયા પર રાજ કરતા હતા, હવે ઉદ્યોગકારોએ 'ન્યૂ એજ ટેક્નોલોજી' (New Age Technology) અને સેમી-કન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં રોકાણ કરીને આગળ વધવું જોઈએ." તેમણે ઉમેર્યું હતું કે, પોરબંદર-દ્વારકા-સોમનાથ બેલ્ટ વિશ્વનું સૌથી મોટું પ્રવાસન ધામ બનવા જઈ રહ્યું છે અને 2027 સુધીમાં ગુજરાત સેમી-કન્ડક્ટર હબ બની જશે.
ઉદ્યોગકારો અને MSME નું સન્માન
કાર્યક્રમમાં "Kutch & Saurashtra: Anchoring Gujarat’s Vision" પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ કામગીરી કરનાર MSME એકમો અને હસ્તકલા કારીગરોને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. ઉદ્યોગ સચિવ મમતા વર્માએ જણાવ્યું કે, "સ્કેલ અને સ્કિલ" ના મંત્ર સાથે આ કોન્ફરન્સે ઉદ્યોગ સાહસિકોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે 24 દેશોના પ્રતિનિધિઓ અને 4000 થી વધુ ઉદ્યોગ સાહસિકોની હાજરી નોંધપાત્ર રહી હતી.
મહાનુભાવોની ઉપસ્થિતિ
સમારોહમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, જ્યોતિ CNC ના ચેરમેન પરાક્રમસિંહ જાડેજા, મારવાડી યુનિવર્સિટીના સ્થાપક કેતન મારવાડી અને જીતુભાઈ ચંદારાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.






















