Alcohol Party: ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો સામે આવ્યો છે. જો કે, નવાઈની વાત એ છે કે, આ વીડિયોમાં શાસક પક્ષ ભાજપના જ કેટલાક નેતાઓ દારૂની પાર્ટી કરતા હોય તેવો આરોપ લાગ્યો છે. મહિસાગર જિલ્લામાં દારૂ પાર્ટીનો વિડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. વાયરલ વીડિયોમાં કેટલાક યુવાનો દારૂની મહેફિલ માણતા નજરે પડ્યા. જોકે આ વિડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તે અગે કોઈ પુષ્ટિ થઈ નથી. વિડિયો સાથે ભાજપના ધારાસભ્ય સહિત ભાજપના હોદ્દેદારોના ફોટા વાયરલ થતા રાજકીય કાવાદાવા હોવાની વાતે જોર પકડ્યું છે. ભાજપના કેટલાક નેતાઓ પણ આ પાર્ટીમાં સામેલ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દારૂપાર્ટીને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વાયરલ વિડિયો અગે abp અસ્મિતા કોઈ પુષ્ટિ કરતું નથી.


 



તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના લુણાવાડાના પદાધિકારીઓની દારૂની મહેફિલના વીડીયો અને ફોટો વાઇરલ થયા છે. આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડોક્ટર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ વારંવાર કહી ચૂક્યા છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જે વીડિયો અને ફોટા વાઇરલ થયા છે તેના ઉપરથી પણ આ બાબત સ્પષ્ટ થાય છે કે ગુજરાતની અંદર દારૂબંધીના કાયદાની અમલવારી થતી નથી. ભાજપે ગુજરાતના બેરોજગાર યુવાનોને નશામાં ધકેલવાનું નક્કી કર્યું છે. જો ભાજપમાં થોડી પણ શરમ હોય તો દારૂબંધીનો કાયદો કાગળ ઉપરથી હકીકતમાં ઉતારી અને તેની અમલવારી કરાવે.


સરદાર નગર બ્રાન્ચમાં ફાયરિંગ


અમદાવાદ: શહેરના સરદાર નગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સરદાર નગર બ્રાન્ચમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સિક્યુરિટી ગાર્ડે બપોરના સમયે ફાયરિંગ કર્યું હતું.  ફાયરિંગની ઘટનામાં બેંકના મહિલા કર્મચારી ઘાયલ થયા છે. ઘાયલ થયેલા મહિલા કર્મચારીને 108 દ્વારા તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


બીજી તરફ ઘટનાની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયરિંગ કરનાર સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બેંકમાં આવેલા ગ્રાહકે ખુરસીમાં બેસવાની બાબતે સૌપ્રથમ બોલાચાલી કરી હતી અને ત્યારબાદ બેન્કના કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી. સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પડ્યા તો સિક્યુરિટી ગાર્ડ સાથે પણ ગ્રાહકે ઝપાઝપી કરી હતી અને બાદમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈ બેંક બંધ કરવામાં આવી છે અને એફએસએલની મદદ એરપોર્ટ પોલીસ દ્વારા લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.


અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં હાઈકોર્ટે શું કરી ટકોર ? જાણો વિગત
અમદાવાદમાં કોરોનાના કેસ છેલ્લા થોડા દિવસોથી ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેને લઈ હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું, કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવાની જરૂર છે. સરકાર પણ કોવિડ પ્રોટોકોલનું અમલ કરાવી રહી છે ત્યારે લોકોએ પણ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોને હાજર રહેવાની હાલ જરૂર નહિ હોવાની પણ ટકોર તેમણે કરી હતી.