ગીર સોમનાથ: સુત્રાપાડાના આજેઠા ગામના ચોંકાવનારા વિડિયો સામે આવ્યા છે. ગામમાં શ્વાનને શોધી શોધીને મારી નાખવામાં આવ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સમૂહ લગ્ન માટે સ્વચ્છ ગામની સાથે સાતે શ્વાન મુક્ત ગામ કરવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું. ગામના યુવાનોએ શ્વાનને શોધી શોધીને મારી નાખ્યા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જીવ દયા પ્રેમીઓમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી રહી છે.


અમદાવાદ-મુંબઈ હાઇવે પર ડમ્પર પાછળ બસ ઘુસી જતા બે લોકોના ઘટના સ્થળે જ મોત


સુરત: અમદાવાદ-મુંબઈ હાઇવે પર કોસંબા નજીક અકસ્માત સર્જાયો છે. રસ્તા પર ઉભેલા ડમ્પર પાછળ લક્ઝરી બસ અથડાઇ હતી. બસમાં સવાર મુસાફરોમાંથી બે મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે અન્ય ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતને લઈ કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મૃતદેહને બહાર કાઢવા ક્રેનની મદદ લેવાઈ હતી.


રાજકોટમાં જાણીતા મહિલા ડોક્ટરનો તેમના જ ઘરમાંથી મળી આવ્યો મૃતદેહ


રાજકોટ: મહિલા કોલેજના  PSM વડા  ડોકટર શોભાનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. રેશકોર્ષ પાર્કમાં રહેતા ડો.શોભાનો તેના જ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. આ  વાત ત્યારે સામે આવી જ્યારે ગોધરા રહેતી તેમની દીકરીએ અનેક ફોન કરતા ફોન રિસીવ ન થતા તેમણે પાડોશીને ફોન કર્યો હતો. પાડોશી અને મેડિકલ કોલેજનો સ્ટાફ એકત્ર થઈ દરવાજો તોડતા ડો.શોભાનો મૃતદેહ બેડ પર પડ્યો હતો. જોકે અંદર ટીવી.પંખા ચાલુ હતા. મૃતક ડોકટરના પતિ વડોદરા મેડિકલ કોલેજમાં ફરજ બજાવે છે. દીકરો ગોધરા ઈન્ટર્નલ ડોકટર તરીકે ફરજ બજાવે છે. જોકે આજે બધા આવ્યા બાદ પીએમની કાર્યવાહી થશે. હાલમાં આ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ શરુ કરી છે. ડોક્ટરના મોતને લઈને અનેક સાવલો ઉભા થયા છે.


અરવલ્લીમાં રાત્રે ખેતરમાં પાણી વાળતા ખેડૂતનું ઠંડીમાં ઠૂઠવાઈ જતા મોત


અરવલ્લી જીલ્લામાં ઠંડીથી ઠુઠવાઈ જતા ખેડૂતનું મોત થયું છે. મોડાસાના ટીટોઇ ગામનાં 57 વર્ષીય ખેડૂતનું ઠંડીથી મોત થતા ગામમમાં શોકનો માહોલ સર્જાયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાત્રિના સમયે આ ખેડૂત ખેતરમાં પાણી વાળવા ગયા હતા. તે દરમિયાન કાતિલ ઠંડીના કારણે તેમનું મોત નિપજ્યું. નોંધનીય છે કે, રાત્રિના સમયે ખેતી વિષયક લાઈટ આવતાં મજબૂરી વશ ખેડુતો કડકડતિ ઠંડી વેઠવા મજબૂર બન્યાં છે. રાત્રિના સમયે અતિશય ઠંડી એ લવજીભાઈ વિરસંગભાઈ પટેલ નામના ખેડૂતનો ભોગ લીધો છે. વહેલી સવારે ખેડૂત ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા બાદ સમગ્ર પંથકમાં વીજ તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.