Geniben Thakor speech Vinchhiya: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં રાજ્ય સરકાર અને ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્તમાન ગૃહમંત્રીના કાર્યકાળમાં ગુનાખોરીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, "હું રાજ્યના ગૃહમંત્રીને કહેવા માગું છું કે આજે પાંચ-પાંચ વર્ષની દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. પીડિત પરિવારો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. જો આવા બળાત્કારીઓ પર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હોત તો તેમને અભિનંદન આપત, પરંતુ વર્તમાન ગૃહમંત્રીના સમયમાં જેટલા ગુનાઓ વધ્યા છે તેટલા ભૂતકાળમાં ક્યારેય વધ્યા નહોતા."

પોલીસ વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અંગે પણ ગેનીબેન ઠાકોરે સખત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "એક સમયે PSIની બદલી થતી ત્યારે ગામના લોકો તેમને વિદાય આપતા હતા, કારણ કે તેઓ સારી કામગીરી કરતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે PSIની બદલી થાય તો બુટલેગરો તેમને ફુલહાર પહેરાવીને સન્માનિત કરતા જોવા મળે છે."

ગેનીબેન ઠાકોરે સરકારમાં બેઠેલા પોતાના સમાજના આગેવાનોને પણ આડે હાથ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, "સરકારમાં બેઠેલા આપના સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે તમે સમાજના નામે જ ટિકિટ લઈ આવો છો. તમારા ગોડફાધરો પાસે ટિકિટ માંગો છો ત્યારે સમાજના મતદારોના આંકડા આપો છો. પરંતુ ચૂંટણીમાં ચૂંટાઈ ગયા પછી તમે સમાજને કેમ ભૂલી જાવ છો?"

ગેનીબેન ઠાકોરે સંમેલનના આયોજકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તેઓ સમાજને અન્યાય સામે લડવા માટે એકઠા કરી રહ્યા છે. તેમણે સ્વ. ઘનશ્યામ રાજપરાને યાદ કરતા કહ્યું હતું કે તેઓ અન્યાય સામે લડતા શહીદ થયા હતા. ગેનીબેને એવો પણ દાવો કર્યો હતો કે સંમેલનમાં ન આવવા માટે તેમના પર ઘણા દબાણો કરવામાં આવ્યા હતા અને વિડીયો પણ બનાવવામાં આવ્યા હતા.

આમ, વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોરનું આ નિવેદન રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી શકે છે, કારણ કે તેમણે ગુનાખોરી, ભ્રષ્ટાચાર અને સામાજિક નેતાગીરી જેવા ગંભીર મુદ્દાઓ પર સરકારને ખુલ્લેઆમ પડકારી છે.

આ પણ વાંચો...

જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન