Patan College exam viral reel: પાટણની બાસ્પા ખાતે આવેલી મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રશાસનની ગંભીર બેદરકારી સામે આવી છે. કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને રીલ બનાવી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે.
આ ઘટના સોમવારે બની હતી જ્યારે કોલેજમાં સમાજશાસ્ત્રની ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી હતી. jayu_thakor_345 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવતા એક વિદ્યાર્થીએ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઈ જઈને રીલ બનાવી હતી અને તેને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. પરીક્ષા દરમિયાન મોબાઈલ લઈ જવો પ્રતિબંધ હોવા છતાં, વિદ્યાર્થીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
રીલ વાયરલ થતાં, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ ઘટનાને ગંભીરતાથી લીધી અને ટ્વીટ કરીને શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી પાસે કાર્યવાહીની માંગણી કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી આ મામલે કોઈ પગલાં લેશે કે કેમ.
યુવરાજસિંહે પોતાના ટ્વીટમાં કોલેજ પ્રશાસનની બેદરકારી અને ગેરરીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "આ કોઈ કોલેજની બેદરકારી કે લાપરવાહી નથી, પરંતુ વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે અને આવનાર વર્ષમાં વધારે વિદ્યાર્થીઓના એડમિશનના ધંધા ચાલે તે માટે દરેક જગ્યાએ આવું જ ચાલે છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ચાલુ પરીક્ષામાં બેફામ ચોરી અને ગેરરીતિ ચાલે છે. અહીંયા તો આ એક રીલ સામે આવી હતી, બાકી બધું બંધ દરવાજામાં ચાલે છે."
યુવરાજસિંહે HNGU યુનિવર્સિટીની તકેદારી અને ધ્યાન રાખવાની જવાબદારી પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કોલેજ સત્તાધીશોને મહર્ષિ દયાનંદના નામને ન લજવવા વિનંતી કરી હતી.
પાટણની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની આ ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે અને સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી આ વાયરલ વીડિયો બાદ શું પગલાં લે છે.
આ પણ વાંચો...