જેતપુરઃ કોરોના વાયરસના કહેરને લઈ રાજ્યના અનેક મંદિરો ખૂલ્યા બાદ સંક્રમણ વધતા ફરીથી બંધ કરવા પડ્યા હતા. યાત્રાધામ વિરપુરમાં બીરાજતા સંત શીરોમણી પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે બારેમાસ ભાવિકોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ કોરોના કાળમાં અનેક ભક્તો બાપાના દર્શનથી વંચિત રહ્યા હતા. જોકે હવે ફરી આજથી વીરપુર જલારામ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.


વીરપુરમાં કોરોનાના કેસ વધતાં 30 ઓગસ્ટથી મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે આજે સવારથી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે મંદિર પરિસરને ફરીથી ખોલવામાં આવ્યું છે. દર્શનાર્થીઓ સવારે 7 થી 1 અને બપોરે 3 થી સાંજના 7 વાગ્યા સુધી દર્શન કરી શકશે. આ પહેલા લોકડાઉન બાદ અનલોક 1માં પણ તે ફરીથી ખૂલ્યું હતું. આશરે 200 વર્ષના ઈતિહાસમાં આ મંદિર ક્યારેય બંધ નહોતું રહ્યું પણ લોકડાઉનમાં બંધ રહ્યું હતું.

વીરપુરના આ સ્મારકમાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહેતાં હતાં. તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે. આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ, સીતા, લક્ષમણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે. અહી સ્વયં પ્રભુ દ્વારા અપાયેલી ઝોળી અને દંડો પણ જોઈ શકાય છે. અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાના જીવતા લેવાયેલો એક માત્ર ફોટો છે.