Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે.

- મોરબીમાં વાતાવરણ બદલાતા વરસાદી ઝાપટાં, ગરમીમાંથી રાહત.
- શ્રદ્ધાળુઓએ રથયાત્રાના વરસાદને અમીવર્ષા ગણાવ્યો, ખેડૂતો ખુશ.
- હવામાન વિભાગે રાજ્યમાં નવા વરસાદી રાઉન્ડની આગાહી કરી.
Morbi Rain: મોરબી જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. મોરબી શહેર ઉપરાંત ટંકારા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન વરસેલા વરસાદને શ્રદ્ધાળુઓએ અમીછાંટણા તરીકે આવકાર્યો હતો.
મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
સવારથી જ મોરબી શહેરમાં વાદળો છવાઈ ગયા હતા અને થોડા સમય બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને ટંકારા પંથકમાં પણ વરસાદ પડતાં વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.
અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર
મોરબીના મહેન્દ્રનગર, વાવડી, રવાપર, લીલાપર, રાજપર, ચાચાપર, વીરપર, લાલપર અને લખધીરપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. વરસાદના કારણે રસ્તાઓ ભીના થયા હતા અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. મોરબી શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિભાવ સાથે નીકળી હતી. આ દરમિયાન પડેલા વરસાદને શ્રદ્ધાળુઓએ અમીવર્ષા ગણાવી હતી. વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા હતા.
ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ
વરસાદી ઝાપટાંથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે, કારણ કે વરસાદ ખેતી માટે લાભદાયી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ શહેરના નાગરિકોએ પણ વરસાદને કારણે ઠંડકનો અનુભવ કરતાં રાહતની લાગણી વ્યક્ત કરી હતી.
વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. હાલમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમમાં લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે. આ ચારેય સિસ્ટમ ભેગી થવાને કારણે આવનારા દિવસોમાં અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફૂંકાશે. જેના લીધે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો- Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ
હવામાન વિભાગની આગાહી મુજબ આ સિસ્ટમ સક્રિય થતા પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જુલાઇના અંતમાં એટલે કે 27 જુલાઇથી પણ ફરી રાજ્યમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.





















