Gujarat Rain Forecast: સમગ્ર રાજ્યમાં આજે મેઘરાજા મહેરબાન થવાની હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast)  છે.  દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.


કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે હળવોથી મધ્યમ વરસાદ (rain)વરસી શકે છે.. રાજકોટ, અમરેલી,સુરેન્દ્રનગર, ભાવનગરના છુટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.


ગુજરાતના ડેમના જળસ્તરની વાત કરીઓ તો રાજ્યના 206 પૈકી 86 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે જેમાંથી  90 ટકાથી વધુ ભરાયેલા 59 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ પર છે. , તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે.  


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 68.19 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છમાં 86.68 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.09 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 82.24 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 50.98 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 48.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


દેશના અન્ય રાજ્યોના હવામાનની વાત કરીએ તો  દેશના 8થી વધુ રાજ્યોમાં આજે અતિભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.  રાજસ્થાન, હિમાચલ, યુપી સહિતના રાજ્યોમાં ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. . તો તેલંગાણા, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે  ચેતવણી  આપી છે.


આગામી ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણીને પગલે જમ્મુ-કશ્મીરમાં ભૂસ્ખલનના ખતરાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે સ્થાનિક પ્રશાસને અપીલ કરી છે. ઉત્તરાખંડના પિથૌરાગઢમાં કેટલાક સ્થળો પર ભારે વરસાદના પગલે  ભૂસ્ખલન થતાં  કેટલાક રસ્તાઓ બંધ  થઇ  ગયા છે  ઉત્તરાખંડના કેટલાક જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. સોનપ્રયાગના ગૌરીકુંડમાં પુલ બનાવીને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કઢવામાં આવ્યા હતા.