Valsad Rain: ભર ઉનાળે રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે વલસાડ જિલ્લામાં વાતાવરણાં પલટો જોવા મળ્યો છે. કપરાડાનાં સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે. જોકે કેરીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ પહેલા જ હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. હજુ પણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શક્યતા છે. કપરાડા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે.  કપરાડાના હુડા ગામે કરા સાથે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.  કપરાડાના અનેક ગામોમાં વરસાદની શરૂઆત થઈ છે.


વલસાડના કપરાડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હુડા, ગિરનારા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કરા સાથે વરસાદથી કેરીના પાકને નુકસાનની શક્યતા છે. ગિરનારા ગામમાં આવેલી આશ્રમશાળાનાં પતરા ઉડ્યા હતા. વેદાંત આશ્રમ શાળાનાં પતરાનો શેડ ઉડ્યો છે. 15 જેટલા વૃક્ષો પણ ધરાશાયી અને વીજ પોલને પણ નુકસાનના સમાચાર છે.


રાજ્યમાં અમુક જિલ્લામાં ચાર દિવસ જોવા મળશે વરસાદી માહોલ. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી છે. 14 મે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદની આગાહી છે. 15 મેના રોજ બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. 16 મે માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાઈ શકે છે.  


ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદી માહોલ જોવા મળશે. બે દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થશે. બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે. અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.