Weather News: રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે, અને આ માહોલ હજુ પણ યથાવત રહે તેવી પુરેપુરી શક્યતા દર્શાવવામાં આવી રહી છે, હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે, તે પ્રમાણે હજુ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે અને કેટલાક સ્થળો પર ગરમી અને ઉકળાટની અસર પણ વર્તાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વરસાદી માહોલ વધુ જામ્યો છે કેમ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લૉનિક સર્ક્યૂલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે. વાદળછાયા વાતાવરણ સાથે કેટલીક જગ્યાએ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં 24 કલાક દરમિયાન ગાજવીજ અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરાઈ છે. ભાવનગર, અમરેલી, બનાસકાંઠા અને અમદાવાદમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તે ઉપરાંત આજે અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવતીકાલે નર્મદા અને તાપીમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. અમદાવાદમાં 7, 8 જૂને યલો એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં પવનને કારણે કરંટ હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે તાકિદ કરવામાં આવી છે. તે ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવનની અસર જોવા મળી શકે છે.  


રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યાંક આકરા તાપથી લોકો પરેશાન છે તો ક્યાંક વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી રહી છે. ગત 4 જૂને દિલ્હીમાં વરસાદની શરૂઆત થઈ હતી, જેના કારણે દિવસભર વાતાવરણ ખુશનુમા રહ્યું હતું.


હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર આ સપ્તાહે ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે, જ્યારે બિહાર, ઝારખંડના ઘણા વિસ્તારોમાં આકરી ગરમી પડવાની સંભાવના છે. આ સિવાય હવામાન વિભાગે કહ્યું કે આ વખતે ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થઈ શકે છે.


આજે ક્યાં વરસાદની શક્યતાઓ છે  - 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મોટાભાગના રાજ્યોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. સોમવારે 5 જૂને રાજસ્થાનમાં પણ વરસાદની શક્યતા છે. રાજ્યના અલવર, ભરતપુર, જયપુર, ધૌલપુર, કરૌલીમાં વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર વિસ્તારોમાં ખૂબ જ હળવા વરસાદની સંભાવના છે. તે જ સમયે, કેરળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે.


હીટવેવ ચેતવણી - 
બિહાર, ઝારખંડ અને બંગાળ હાલમાં ગરમીની લપેટમાં છે. IMD એ રાજ્યમાં આગામી 5 દિવસ માટે હીટવેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, સિક્કિમમાં પણ હીટવેવની શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં પણ 8 જૂનથી તાપમાનમાં વધારો થઈ શકે છે.