Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: લીંબડી તાલુકાના ચોરણીયા, પાણશીણા, રળોલ અને ટોકરાળા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો

- સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદમાં અચાનક હળવો વરસાદ વરસ્યો.
- વરસાદથી ગુલાબી ઠંડક પ્રસરી, ખેડૂતોમાં આનંદ છવાયો.
- જમીનમાં ભેજ વધતા વાવણી માટે અનુકૂળ વાતાવરણ બન્યું.
- આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના, પાણીની સમસ્યા ઘટશે.
Gujarat Rain: સૌરાષ્ટ્ર વિસ્તારમાં અસહ્ય ગરમી અને બફારા બાદ આજે સુરેન્દ્રનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ઝરમરથી લઈને હળવો વરસાદ વરસ્યો છે. આ અચાનક થયેલા વરસાદના કારણે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદ અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
આજના વરસાદની વાત કરીએ તો, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને લીંબડી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. લીંબડી તાલુકાના ચોરણીયા, પાણશીણા, રળોલ અને ટોકરાળા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ સાથે જ અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ વરસાદી ઝાપટાં પડતાં વાહનચાલકોને ગરમીથી રાહત મળી હતી. બીજી તરફ, અમરેલી જિલ્લાના બાબરા અને સાવરકુંડલા તાલુકામાં પણ મેઘમહેર યથાવત રહી હતી. બાબરાના ચમારડી, ઊંટવડ, કોટડાપીઠા, ચરખા તેમજ સાવરકુંડલાના ચરખડિયા અને ઓળિયા ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. તદુપરાંત, બોટાદ જિલ્લામાં પણ મેઘરાજાની શુભ શરૂઆત થઈ હતી. બોટાદના પાળીયાદ, તરઘરા, સેથલી તથા બરવાળા તાલુકાના સાળંગપુર, કુંડલ અને રોજિંદ સહિતના પંથકોમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. પંથકમાં વરસાદ પડતાની સાથે જ ધૂળની ડમરીઓ શાંત થઈ હતી અને વાતાવરણ આહલાદક બની ગયું હતું.
ચોમાસાના પ્રારંભિક તબક્કે જ થયેલા આ વરસાદથી ખેતી ક્ષેત્રે નવી ઊર્જાનો સંચાર થયો છે. વરસાદના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધશે, જે આગામી સમયમાં વાવણીના કામકાજ માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. ખેડૂતો હવે ઉત્સાહપૂર્વક ખેતીની તૈયારીઓમાં જોતરાશે. તદુપરાંત, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે, જેનાથી પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યામાં મોટો ઘટાડો થશે.
Before You Go
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા






















