રાજકોટઃ રવિવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રાજકોટમાં સરપંચો અને પેજ પ્રમુખો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન પાટીલે પેજ પ્રમુખોનું સન્માન પણ કર્યું હતું. પાટીલે પોતાના સંબોધનમાં આકરા તેવર બતાવતાં કાર્યકરોને કહ્યું હતું કે, તમને ભાજપના કોઇપણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધમકાવે કે અપમાન કરે તો સીધી જ મને ફરિયાદ કરજો. તમે પક્ષના પાયામાં છો અને તમને ધમકાવવાનો કે અપમાન કરવાનો કોઈને અધિકાર નથી.

સી.આર. પાટીલની આ વાતને કાર્યકરોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. પાટીલે આ કાર્યક્રમમાં પેજ પ્રમુખોને પાટીલે આગામી ચૂંટણીમાં એક એક ઘ સુધી પહોંચવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં પાટીલે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા કાર્યકરોને અપીલ કરી હતી. રાજકોટમાં સરપંચ સંવાદ અને મોરબી રોડ પર પેજ પ્રમુખ સાથેના સંવાદ કાર્યક્રમમાં સી.આર.પાટીલે કહ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે ખેડૂતો અને સામાન્ય લોકોના હિતમાં અનેક યોજના અમલી બનાવી છે તે યોજનાઓ લોકો સુધી પહોંચવી જોઇએ. લસરપંચ સંવાદ કાર્યક્રમમાં પેજ પ્રમુખ બનાવવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર કેટલાક કાર્યકરોના પ્રદેશ પ્રમુખના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા.