જૂનાગઢ: વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં શાનદાર જીત બાદ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજે એક ઐતિહાસિક દિવસ છે, ગુજરાતની જનતા માટે સુવર્ણ દિવસ છે. ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી જે દિવસની જે ક્ષણની રાહ જોતી હતી તે ક્ષણ આજે આવી છે. આજે ચૂંટણીનું પરિણામ આવ્યું છે. આ પરિણામમાં વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મતવિસ્તારની જનતાની જંગી બહુમતીથી થઈ છે. આ જીત બદલ વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સૌ ખેડૂતો, વેપારીઓ માલધારીઓ, રત્નકલાકાઓ, ખેતમજૂરો અને આ પંથકની સામાન્ય જનતાનો બે હાથ જોડી હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરું છે.  આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઇ ચૂક્યા છે. તેની અંદર ભગવાને પણ વરસાદરૂપી આશીર્વાદ આપ્યા  છે.'    

ગોપાલ ઇટાલિયાએ જીત માટે માત્રને માત્ર જનતા જ જવાબદાર હોવાથી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તમે મને જીતાડીને વિધાનસભા મોકલ્યો છે. હું તમને નિરાશ નહી કરું. જનતાની સુખાકારીમાં વધારો થાય તેવા મારા પ્રયાસો રહેશે. હું જનતાનો આદર્શ અને સાચા અર્થમાં સુખ દુખમાં સાથે રહેનારો નેતા બનીશ. 

અમારા ખેડૂ માવતરોએ આપેલા આશીર્વાદનો વિજય થયો

વધુમાં તેમણે કહ્યું કે, આ લડાઇ એકતરફ સત્તા, પૈસા, દારૂ, ગુંડા અને અહંકાર સામે હતી, તો બીજી તરફ આમ તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન હતું અને બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો જ્યાં દીકરીઓના કુમળા હાથે લીધેલા દુઃખણાનો વિજય થયો છે. મારી માતાઓએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે. અમારા ખેડૂ માવતરોએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે.’ 

વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત થઈ છે.  વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનો 17 હજાર 581 મતથી વિજય થયો છે. વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે AAPને  75,906 મત મળ્યા છે. જ્યારે 21 રાઉન્ડના અંતે ભાજપને 58,325 મત મળ્યા છે, તો બીજી તરફ  વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે કોંગ્રેસને 5,491 મત મળ્યા છે. વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની પ્રચંડ જીતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં એકલા ઈટાલિયાને 51 ટકાથી વધુ મત મળ્યા છે.

ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,581  મતથી વિજય થતાની સાથે જ  આપની છાવણીમાં ખુશી પ્રસરી ગઈ હતી. વરસતા વરસાદમાં વિજય ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી રહ્યા છે.  વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત સાથે જ  ભાજપમાં સોપો પડી ગયો હતો.