ગાંધીનગર: હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.  વડોદરા, આણંદ,  નડિયાદ અને ખેડામાં ભારે ગરમીની શક્યતા છે. અમદાવાદ શહેરમાં પણ ભારે ગરમીની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  મહત્તમ તાપમાન 43 ડિગ્રી  આસપાસ રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

  

આકરી ગરમી પડશે 

Continues below advertisement
Continues below advertisement

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતા છે.  દક્ષિણ ગુજરાતમાં 38થી 41 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  દક્ષિણ સૌરાષ્ટ્રમાં 40 થી 42  ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 32થી 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહી શકે છે. 

આ સિવાય  કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.  ભૂજ અને કંડલામાં પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. રાજકોટ સહિત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.    સુરેન્દ્રનગરમાં ભારે ગરમી પડી શકે છે.  16 મે બાદ ગરમીથી રાહત થવાની શક્યતા છે.  21થી 23 મે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં સુકુ હવામાન પ્રવર્તી રહ્યું છે. જેના કારણે કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના હાલ કોઈ સંકેત નથી. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે. 

12 જિલ્લામાં હીટવેવની ચેતવણી

રાજ્યના 12 જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, વડોદરા, સુરત અને વડોદરામાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. જ્યારે રાજકોટ, અમરેલી, દ્વારકા, અને બોટાદમાં પણ ગરમી ભૂક્કા બોલાવશે. આગ ઝરતી ગરમીના કારણે લોકો બપોરે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે ભરચક રહેતા વિસ્તારોમાં પણ ટ્રાફિક નહિવત હતો.

સોમવારે 44.3 ડિગ્રી સાથે  અમદાવાદમાં સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો છે. હજુ આગામી 3 દિવસ માટે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સોમવારે 44.3 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 2.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. છેલ્લા 15 દિવસમાં અમદાવાદમાં મે મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન 44ને પાર થયું હોય તેવું અગાઉ 2013, 2026, 2019, 2020, 2022, 2023, 2024ના વર્ષમાં બન્યું હતું.