અમદાવાદઃ વિરામ બાદ ગુજરાતમાં ફરી ધોધમા વરસાદ શરૂ થયો છે ત્યારે રવિવારે મોડી સાંજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગુજરાતના માથે હાલ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાયેલી છે જે સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં કેટલાક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.


અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. આ સાથે જ હવામાન વિભાગે થંડર સ્ટ્રોમની પણ આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધી 122 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં અનેક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. હજુ આગામી દિવસોમાં ભારે વરસાદને કારણે પાકમાં વધુ નુકસાન થઈ શકે છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે. હજુ આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. સોમવારે દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, સુરત, તાપી, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

મંગળવારે દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, સુરત, તાપી, કચ્છમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.