ગાંધીનગર:  રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના કેસોમાં આવેલા ધરખમ વધારાના પગલે સૌ દોડતા થયા છે. કોરોના-ઓમિક્રોનના  દરરોજ 4000થી વધુ કેસો નોંધાવા લાગતાં રાજ્ય સરકારે નાઈટ કરફ્યુ સહિતના કડક નિયમોનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારનીકોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે રાજ્યની તમામ શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1થી ધોરણ 9ના તમામ ક્લાસ બંધ કરાશે અને માત્ર ને માત્ર ઓનલાઈન ક્લાસ લેવાશે. 


રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરાયો છે.   હવે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી.  આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરાયા છે.  રાજ્યના 10 શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગૂ રહેશે. રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર  ઉપરાંત આણંદ અને નડિયાદઆ બે શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાગુ કરાયો છે. 


રાત્રિ કર્ફ્યૂ સમયગાળા દરમિયાન નીચે જણાવેલ સેવાઓ/ પ્રવૃતિઓ ચાલુ રાખી શકાશે


1 COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે.
2 મેડિકલ, પેરામેડિકલ તથા એને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
3 ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
4 ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
5 પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રિબ્યુશન.
6 પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્‍ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિપેરિંગ સેવાઓ.
7 પોસ્ટ અને કુરિયર સર્વિસ.
8 ખાનગી સિક્યોરિટી સેવા
9 પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
10 કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓનાં ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.
11 ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
12 આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરોમાં વ્યાપાર/ સેવાના પરિવહન સંગ્રહ અને વિતરણને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ કોર્મસ સેવાઓ
13  તમામ પ્રકારનાં ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને એને રો-મટીરિયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. એ દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
14 બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.