ગાંધીનગર: આજથી ગુજરાતમાં RTO ચેકપોસ્ટ રાજની નાબૂદ થઈ ગઈ છે. રાજ્યની તમામ 16 RTO ચેકપોસ્ટ આજથી બંધ થઈ ગઈ છે. ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વગોવાયેલી 16 ચેકપોસ્ટ બંધ થતાં જ લાખો વાહનચાલકોને હપ્તાખોરીથી મુક્તિ મળશે. આ ચેકપોસ્ટથી રાજ્ય સરકારને 332 કરોડની આવક થતી હતી. જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી વેપાર-ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. આ સાથે જ ટ્રાફિક, પ્રદૂષણ અને સમયનો બચાવ થશે.

ગુજરાત સરકારના આ નિર્ણયથી હવે વાહનચાલકને એક પણ ચેકપોસ્ટ પર ઉભા રહેવું નહીં પડે, તમે જેવા ઘરેથી નીકળો કે ફટાફટ તમારી જગ્યા પર પહોંચી શકશો. સરકારના આ નિર્ણયથી ઈંધણની મોટી બચત થશે. પરંતુ ચેકપોસ્ટ પર કોઈ ગેરરીતિ કે ભારે વાહનો અંગે દંડની ઉઘરાણી ઓનલાઈન કરવામાં આવશે. એટલે કે આ રકમ સીધી જ માલિકના ખાતામાંથી કપાઈ જશે.

ચેકપોસ્ટો પર ચેકિંગને કારણે ઘણી વખત વાહનોની લાંબી લાઈનો લાગતી હતી. આ દરમિયાન ઈંધણનો પણ વ્યય થતો હતો. ગુજરાતની તમામ 16 ચેકપોસ્ટો 24 કલાક ચાલુ રહેતી હોવાથી કચેરીએ મોટી સંખ્યામાં સ્ટાફને તહેનાત કરવો પડતો હતો.

ગુજરાતમાં હાલ અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખીયારી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટા ઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ અને વઘઈ ખાતે ચેકપોસ્ટ કાર્યરત હતી.