ભરૂચઃ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા, ભૂતપૂર્વ સાંસદ અહેમદ પટેલની ગુરૂવારે પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે તેમના વતન અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને મૌલિન વૈષ્ણવ એ બે ટોચના નેતાએ જ સવારે હાજરી આપી હતી. અમિત ચાવડા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી સહિતના અન્ય નેતા હાજર નહોતા રહ્યા.
જોકે, બપોરે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા છે. તેમની સાથે વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર, તુષાર ચૌધરી, જગદીશ ઠાકોર પહોંચ્યા છે.
કોંગ્રેસના કાર્યકરો તથા સ્થાનિક લોકો દ્વારા અહેમદ પટેલની કબર પર ફૂલ ચઢાવીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. સ્વ. અહમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ કોંગ્રેસના નેતાઓ શ્રદ્ધાંજલિ આપશે એવી જાહેરાત કરાઈ હતી પણ તેમના વતનમાં કોઈ નેતા આવ્યા નહોતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત શ્રદ્ધાંજલિ આપવા બપોરે અંકલેશ્વર આવશે એવી જાહેરાત કરાઈ છે. સ્વ. અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે.
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે.