ગાંઘીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વરસે યોજાનારી છે ત્યારે પ્રદેશ ભાજપ સંગઠનમાં બે મહત્વની નિમણૂકો કરીને બે યુવા પાટીદાર નેતાને સ્થાન અપાયું છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ દ્વારા યુવા પાટીદાર નેતા ડો. ઋત્વિજ પટેલ અને હિતેન્દ્ર પટેલની પ્રદેશ ભાજપના સહ પ્રવકતા તરીકે નિમણૂંક કરાઈ છે.


ભૂતપૂર્વ યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલ અને કિસાન મોરચાના ભૂતપૂર્વ પ્રમુખ હિતેન્દ્ર પટેલને બનાવાયા પ્રદેશ ભાજપના સહ પ્રવક્તા બનાવાયા છે. પાટિલ પ્રદેશ પ્રમુખ બનતાં આ બંને પાટીદાર નેતાને રવાના કરાયા હતા. હવે ભાજપના આ બે નેતાઓને પ્રદેશ કક્ષાએ જવાબદારી અપાઈ છે.


ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો પડ્યો


ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો પડ્યો છે. સમાજ સેવક અને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. સુરતના જાણિતા સમાજસેવક અને ઉદ્યોગપતિ મહેશ સવાણી હવે માત્ર સમાજસેવા પર ધ્યાન કેંદ્રીય કરશે.


આ પહેલાં આજે સવારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પડેલા એક મોટા ફટકામાં જાણીતા ગાયક વિજય સુવાળા  આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા.  ગુજરાતમાં  આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળાને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. એ પછી આમ આદમી પાર્ટીનાં નીલમબેન વ્યાસ પણ ભાજપમાં જોડાઈ ગયાં હતાં. આમ એક જ દિવસમાં આમ આદમી પાર્ટીને ત્રીજો ફટકો પડ્યો છે. 


 


મહેશ સવાણી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જૂન, 2021ની સુરતની મુલાકાતે વખતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.  સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને 'આપ'નો ખેસ પહેર્યા બાદ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. મહેશ સવાણી ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.



'આપ'માં જોડાયા બાદ મહેશ સવાણીએ કહ્યું હતું કે, 'મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. સત્તાધીશો મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું. પણ મેં નક્કી કર્યું છે કે, ભલે મારે જેલમાં જવું પડશે, ભલે બે-બે ગોળી મારી દેશે. મેં નવી જમીન પસંદ કરી છે.


મહેશ સવાણી સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ છે. તેઓ મૂળ ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના વતની છે અને પીપી. સવાણી ગ્રુપના સંચાલક છે. ડાયમંડ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. 2019માં તેમણે ભાજપમાંથી ટિકિટ માગી હતી. મહેશ સવાણી અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે. 2008થી તે  મોટા પાયે આવા સમૂહ લગ્નોનું આયોજન કરે છે.