બોટાદઃ સ્વામીનારાયણ સંપ્રદાયના ગઢડા ગોપીનાથજી મંદિર (Gopinathji temple gadhada)ના આચાર્ય પક્ષના પૂર્વ કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી (Swami Ghanshyam Vallabhdasji) ને નાયબ કલેકટર દ્વારા તડીપારની નોટિસ અપાતાં ખળભળાટ મચ્યો છે. આ નોટિસથી અકળાયેલા સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીએ બળાપો કાઢ્યો છે કે, સત્તા અને પૈસાના લાલચુ માણસોને અમે અહીંયા બેઠા છીએ એ ગમતું નથી તેથી આ બધું કરે છે. ગઢડા મંદિરના બની બેઠેલા વહીવટદાર છે તેમને ગરમ લાગે છે તેથી આ બધું કરે છે.
તેમણે કહ્યું કે, અગાઉ 2007 અને 2018માં થયેલા આઈપીસીની કલમ 307 સહિત જાહેરનામા ભંગના ગુનાઓને ધ્યાને લઈ 6 જિલ્લા માંથી તડીપાર કરવા માટેની નોટિસ અપાઈ છે. નાનામોટા ગુનામાં પણ પડદા પાછળ મારો હાથ હોય તેવો ઉલ્લેખ નોટિસમાં કરવામાં આવ્યો છે. આ નોટિસ બાબતે અમે હાઇકોટમાં પીટીશન દાખલ કરીશું.
તેમણે કહ્યું કે, આ જગતમાં અસત્ય અને ખોટા રસ્તે બધું ચાલતું હોય તો તેની સામે લડવું આપણો અધિકાર છે ને હું કાયમ સત્ય માટે લડ્ત રહીશ. તેમણે પડકાર પણ ફેંક્યો કે, અમારું એન્કાઉન્ટર કરાવી દો, અમને દોડાવી દોડાવીને બુલેટ મારી દો.
નાયબ કલેક્ટર દ્વારા ગોપીનાથજી મંદિર (Gopinathji temple)ના આચાર્ય પક્ષના પૂર્વ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી (Swami Ghanshyam Vallabhdasji)ને બે વર્ષ માટે તડીપાર કરવા નોટિસ અપાઈ છે. સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી સામે અગાઉ 2007 અને 2018માં થયેલા આઈપીસીની કલમ 307 સહિત જાહેરનામા ભંગના ગુનાઓને ધ્યાને લઈ 6 જિલ્લા માંથી તડીપાર કરવા માટેની નોટિસ અપાઈ છે. સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીને બોટાદ ,ભાવનગર,સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ જિલ્લામાંથી કેમ તડીપાર ના કરવા તેવો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. આ અંગે સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીએ કહ્યું કે, અગાઉ ખોટા ગુન્હા દાખલ થયેલા છે તેની આડમાં 6 જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ આપેલ છે.
આ પહેલાં નાયબ કલેક્ટરે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામીને તડીપારની નોટિસ આપી હતી. એસ.પી સ્વામીને એક સાથે 6 જિલ્લામાંથી તડીપારની નોટીસ આપવામાં આવી હતી. એસ.પી સ્વામીને બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને અમદાવાદ આ 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ જાહેર કરાઈ હતી. નાયબ કલેક્ટરે એસ.પી સ્વામી પાસે આ છ જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવા જોઈએ એ અંગે જવાબ પણ માગ્યો હતો.