પાટણ: સરકાર ભલે રખડતા ઢોર અંગે મોટા મોટા દાવોઓ કરે પરંતુ હજુ પણ રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. હવે રાધનપુરમાં રખડતા ઢોરના કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. રાધનપુરમાં આંખલાની અડફેટે આવતા એક વૃદ્ધાનું મોત થયું છે. આંખલાએ વૃદ્ધા પર હુમલો કરતા તેમને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હોસ્પિટલેથી ઘરેથી ફરી ઘરે લાવ્યા હતા જે દરમિયાન તેમનું મોત નીપજ્યું. મૃતક અંગે સામે આવેલી વિગચો અનુસાર કુંભાર વાસમાં રહેતા વૃદ્ધા રૂપાબેન પ્રજાપતિને ઘરમાં ઘુસીને આંખાલાએ ઘાયલ કર્યા હતા. જે બાદ રુપાબેનને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને 17થી વધુ ટાંકા આવ્યા હતા. 3 ફેબ્રુઆરીના રોજ આંખલાએ વૃદ્ધ મહિલાને અડફેટે લીધા હતા જે બાદ આજે તેમનું મોત નિપજ્યું હતું.


રાજ્યમાં જંત્રીના ભાવ કરાયા બમણાં


ગાંધીનગર:  રાજ્યમાં  જંત્રીના ભાવ બમણા કરવામાં આવ્યા છે. 12 વર્ષ બાદ રાજ્યમાં જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.  જંત્રીના ભાવને લઈ મહેસૂલ વિભાગનો પરિપત્ર જાહેર કરાયો છે. હાલ જંત્રીમાં ભાવ છેલ્લા 12 વર્ષથી અમલમાં છે. રાજ્યમાં હવેથી ડબલ જંત્રી ગણી મિલકતોની બજાર કિંમત નક્કી થશે. જંત્રીના નવા ભાવ આવતીકાલ (સોમવાર)થી લાગુ થશે.  


સરકારના જણાવ્યા મુજબ ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયની જમીનો સ્થાવર મિલકતોની બજારકીમત નકકી કરવા માટેની ગાઈડ લાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નકકી કરવામાં આવે છે. અગાઉ તા.18/04/2011 ના ઠરાવથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )2011 ના ભાવો અમલમાં મુકવામાં છે. આ ભાવ છેલ્લા 12 વર્ષથી અમલમાં છે. રાજયમાં થતા ઝડપી વિકાસ અને ઔધોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃતિઓને લીધે બદલાતી પરિસ્થિતી ધ્યાને લેતાં રાજયમાં આ ભાવમાં વધારો થવા પામેલ છે. 



રાજ્યના ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કર્યો પર્દાફાશ


અમદાવાદઃ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1400 કરોડના સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ અને ઉંઝા સર્કિટના બે સટોડિયાઓને પોલીસે ખુલાસો કર્યો હતો. ઉંઝાનો ટોમી પટેલ અને રાજકોટનો રાકેશ રાજદેવ પોલીસના રડાર પર છે. રાકેશ રાજદેવ સહિત બે સામે લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. દુબઇમાં ડમી બેન્ક એકાઉન્ટની પણ પોલીસને વિગતો મળી હતી.


મોબાઇલ પર ખાસ એપ્લિકેશન બનાવી મેચના ભાવ જાહેર કરાય છે. મેચની હાર-જીત અને સેશનના સ્કોર પર સટ્ટો લગાવતો હતો. સટ્ટાકાંડમાં એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. એક-એક મેચ પર 100થી 500 કરોડના સોદા થતા હતા. બંન્ને સટોડિયા દુબઇના આકાની મારફતે ભાવ બહાર પાડતા હતા. સટ્ટાના હિસાબો ટ્રાન્સફર થતા હોવાનો પણ ખુલાસો થયો છે.ક્રિકેટના મેદાનમાંથી જ બોલતી બોબડી લાઇનથી સટ્ટો રમાતો હતો.


ટી-20, વન-ડે અને લીગ મેચ પર સટ્ટો લગાવવામાં આવતો હતો. કેટલાક અધિકારી સાથે પણ લેવડ-દેવડ થયાની આશંકા પણ છે. રાજકીય નેતાઓ સાથે પણ રાકેશ રાજદેવ સંબંધ ધરાવતો હોવાની આશંકા છે. ગુજરાતના બુકીઓ જાતે જ સોદા બુક કરતા હોવાનો પણ ખુલાસો થયો હતો. સટ્ટાકાંડની રકમ સાત હજાર કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે. રાકેશ રાજદેવ વિરુદ્ધ પણ લુકઆઉટ નોટિસ જાહેર કરાઇ છે. હોંગકોંગ અને નેધરલેન્ડની સ્થાનિક મેચો પર પણ સટ્ટો રમાડાતો હતો. રાકેશ રાજદેવ દુબઇમાં સામ્રાજ્ય જમાવી બેઠો છે.